મોરબી: 'તમારો છોકરો મારી છોકરીને ભગાડી ગયો', યુવકનું ઘર સળગાવીને યુવતીના પરિવારજનો ફરાર
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતીને ભગાડી ગયો હતો. અને પોલીસ મથકે હાજર થયા બાદ

મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતીને ભગાડી ગયો હતો. અને પોલીસ મથકે હાજર થયા બાદ યુવતી પોતાના પરિવાર સાથે તેના ઘરે જતી રહી હતી. છતાં આ બાબતનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ યુવાનનું મકાન સળગાવી દઈ અને ફોન પર આખા પરિવારને સળગાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આખા પરિવારને સળગાવી દેવાની ધમકી
રામકૃષ્ણ બ્લોક નં. 4 ગોપાલ સોસાયટી સામે રહેતા રાજેશભાઈ ડાયાભાઈ ચાવડા (ઉ.વ. 51) ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમનો દીકરો કાનજી ઘરેથી કામે જવાનું કહીને નીકળી ગયા અને વાંકાનેરથી દસ બાર માણસો ઘરે આવ્યા જેને તમારો દીકરો કયાં છે તેમ પૂછતાં તે સવારનો કામ પર ગયો છે તેમ જણાવ્યું હતું. તેમણે તમારો દીકરો છોકરીને ભગાડી લઈ ગયો છે તેવી વાતચીત કરી જતા રહ્યાં હતાં. વાંકાનેર પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતી હાજર થયા હતા. જેની જાણ યુવાનના પરિવારને થઈ હતી. રાજેશભાઈ તેમના પત્ની, નાની બંને દીકરીઓ સહિત બધા વાંકાનેર ગયા હતા,જ્યારે વાંકાનેરથી પાછા આવતા હતા. ત્યારે રાત્રીના બાર સવા બાર વાગ્યે લજાઈ ચોકડી નજીક પહોંચ્યા ત્યારે પાડોશી લાલભાઈ ઠાકોરનો ફોન આવ્યો કે, તમારૂ મકાન સળગે છે. પહોંચી જોતા આખું ઘર સળગેલ હાલતમાં હતું , જેમાં ઘરવખરીનો સામાન બળી ગયો હતો.
ટીવી, ફ્રીજ, કબાટ અને પલંગ સહિતનો સામાન સળગી ગયો
ઘરમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ, ટીવી, ફ્રીજ, કબાટ અને પલંગ સહિતનો સામાન સળગી ગયો હતો. આજુબાજુના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે એક રીક્ષામાં બે મહિલા અને બે પુરુષો આવ્યા અને મકાન સળગાવીને જતા રહ્યા.તેમજ ફોન પર જ યુવતીના ભાઈએ પરિવારને પણ ધમકી આપી હતી . મોરબી બી.ડીવીઝન પોલીસમાં બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.






