શિક્ષણનું સ્તર કથળ્યું: 'ફ્રન્ટ રનર સ્ટેટ' ગુજરાત 18માં ક્રમે ધકેલાયું, નીતિ આયોગના રિપોર્ટે ઉઘાડી પોલ
ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. વિદેશના વિદ્યાર્થીઓ ક્વોલિટી એજ્યુકેશન માટે ગુ

ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. વિદેશના વિદ્યાર્થીઓ ક્વોલિટી એજ્યુકેશન માટે ગુજરાતમાં શિક્ષણ મેળવી રહ્યા છે, તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે, ત્યારે નીતિ આયોગના 2023-2024ના રિપોર્ટે જ ગુજરાતમાં શિક્ષણની કેવી દશા છે, તેવી કડવી હકીકત રજૂ કરી છે.
ધોરણ-9-10માં ડ્રોપ આઉટ રેશિયો 17.9%
આ રિપોર્ટમાં એવા તારણો રજૂ કરાયા છે કે ગુજરાતમાં ધોરણ-9-10માં ડ્રોપ આઉટ રેશિયો 17.9% છે. જ્યારે દેશમાં સરેરશા ડ્રોપ આઉટ રેશિયો 12.6% છે. આમ દેશ કરતાં ગુજરાતમાં ડ્રોપઆઉટનો રેશિયો વધુ છે. આ ઉપરાંત ધોરણ11,12 ધોરણમાં 48.2 ટકા જ્યારે સ્નાતક કક્ષાએ માત્ર 24 ટકા પ્રવેશ મેળવે છે.
ગુજરાતમાં 29 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક
ગુજરાતમાં 29 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક છે. જ્યારે દેશમાં 18 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે, ગુજરાત રાજ્યમાં જેટલા બાળકો જન્મે છે, તેમાંથી 11% જેટલા બાળકો શાળામાં પ્રવેશ પણ નથી મેળવતાં. એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા દેખાડનાર ગુજરાતમાં આજે શિક્ષણની દારૂણ સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં દેશમાં 18માં ક્રમે
નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાત ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં દેશમાં 18માં ક્રમે છે. જે ગુજરાત રાજ્ય વર્ષ 2018માં ફ્રન્ટ રનર્સ એટલે કે હાઈ પર્ફોમિંગ સ્ટેટ હતું તે વર્ષ 2024માં પરફોર્મર સ્ટેટ બન્યું છે. ટૂંકમાં છ વર્ષમાં શિક્ષણની અધોગતિ થઈ છે, પરિણામે ગુજરાત મોડલની પોલ ખુલી ગઈ છે.






