સુરત પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલની ઓફિસમાં દારૂની પાર્ટી, કર્મચારીઓ વીડિયો બનતો જોઈ ભાગ્યા
સુરત મહાનગરપાલિકા સંચાલિત કતારગામ ઝોનના સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી

સુરત મહાનગરપાલિકા સંચાલિત કતારગામ ઝોનના સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી હોવાના ગંભીર આક્ષેપ થયાં છે. સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફિલનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જોકે વીડિયો સામે આવતા જ વિવાદ થયો હતો.
વીડિયો બનતો જોઈ ભાગ્યા
માહિતી અનુસાર સ્થાનિક કોર્પોરેટરને જ્યારે આ દારૂ પાર્ટીની જાણ થઈ તો તેઓ કેટલાક લોકો સાથે મળીને ત્યાં પહોંચી ગયા હતા. જોકે વીડિયો બનતો જોતા જ દારૂ પાર્ટીમાં સામેલ કર્મચારીઓએ દોટ મૂકી હતી. વીડિયો ઉતારનાર વ્યક્તિનો એવો દાવો છે કે વીડિયોમાં દેખાતી દારૂની બોટલો પણ ગાયબ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કિસ્સામાં પાલિકા અને પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માગણી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ અને પાલિકા દ્વારા ગઈકાલે સવારે શહેરના શૈક્ષણિક સંસ્થા બહાર ખાણીપીણીના સ્ટોલ પર નશાકારક વસ્તુનું વેચાણ થાય છે કે કેમ? તેની તપાસ માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી. પાલિકા અને પોલીસની આ ડ્રાઈવના માત્ર 12 કલાક બાદ સુરત પાલિકાના કતારગામ ઝોનમાં પાલિકા સંચાલિત સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફીલ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે.






