સુરતના સાયણમાં અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર એક્સપ્રેસનો ડબ્બો અલગ થઇ ગયો
સુરત પહેલા સાયણમાં અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનનો ડબ્બો અલગ

સુરત પહેલા સાયણમાં અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનનો ડબ્બો અલગ થઇ ગયો હતો. ડબ્બો અલગ થતા મુસાફરો ગભરાઇ ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. મુસાફર ટ્રેનમાંથી ઉતરીના પાટા પર આવી ગયા હતા. અઢી કલાક બાદ ટ્રેનને રાબેતા મુજબ મુંબઇ રવાના કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ રેલવે કર્મચારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે ટ્રેનને જલદી રિપેર કરીને તેને રવાના કરી દેવામાં આવશે. ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા અમદાવાદ-મુંબઇ વચ્ચેની મેન લાઇનમાં દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ હતી. ટ્રેનના ડબ્બા અલગ થઇ જતા મુંબઇ તરફ જતા મુસાફરોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અઢી કલાકની ભારે જહેમત બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ખામી સર્જાયેલ એક કોચને સ્ટેશન ખાતે જ રાખવામાં આવ્યો હતો. ટ્રેન સહી સલામત રવાના થતા લોકોએ હાશકારો લીધો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં અવાર નવાર ટ્રેન અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. આ પહેલા વલસાડ નજીક પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી.






