ગુજરાતના મુખ્યમંત્રી પુત્રની વધુ સારવાર માટે અમેરિકા જશે, PMO પાસે એક મહિનાની રજા માંગી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દિવસોમાં અમેરિકાના પ્રવાસે જઇ શક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દિવસોમાં અમેરિકાના પ્રવાસે જઇ શકે છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના પુત્રની વધુ સારવાર માટે અમેરિકા જઇ શકે છે.ગુજરાતના મુખ્યમંત્રીએ PMO પાસે એક મહિનાની રજા માંગી છે. CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જશે તો મુખ્યમંત્રીનો હવાલો કોને સોપાશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.
અમેરિકાના પ્રવાસે જશે ભૂપેન્દ્ર પટેલ
સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ અમેરિકા જઇ રહ્યા છે. બિમાર પુત્રની વધુ સારવાર માટે તેઓએ વિદેશ પ્રવાસ જવાનું નક્કી કર્યું છે. જોકે, ભૂપેન્દ્ર પટેલે વિદેશ પ્રવાસે જવા માટે PMO પાસે એક મહિનાથી વધુનો સમય માંગ્યો છે પણ પંદરેક દિવસ માટે જવાની છૂટ અપાય તેમ છે.
આ જોતાં ભૂપેન્દ્ર પટેલના સ્થાને કોને મુખ્યમંત્રી પદનો હવાલો સુપરત કરવો એ મથામણ ચાલી રહી છે.મુખ્યમંત્રીની હાજરીમાં ય લોકોના પ્રાણપ્રશ્નો ઉકેલાતા નથી. યોગ્ય નિર્ણય લેવાતા નથી ત્યારે તેમની ગેરહાજરીમાં નિર્ણય લેવાશે કે નહીં તે સવાલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઇ શકે છે.
ઇન્ચાર્જ CM કોણ બનશે?
ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે તો ઇન્ચાર્જ CM કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રી રિષિકેશ પટેલ અથવા અન્યને આ ચાર્જ સોપવામાં આવી શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇનસ્ટોક આવ્યો હતો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલની તબિયત ખરાબ છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા મુંબઇમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, અનુજ પટેલની સ્થિતિમાં કોઇ સુધારો ના થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઇને વધુ સારવાર કરાવવા માંગે છે.








