ખેડૂતો ઉપર જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો, એ તદ્દન ખોટું: અરવિંદ કેજરીવાલના ભાજપ સરકાર પર પ્રહાર
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બોટાદના હડદડ ગામના પીડિત પરિવારો સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. કેજરીવાલે ભાજપની સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "ભાજપની સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે, લોકોને હેરાન પરેશાન કરી રહી છે, આ તદ્દન ખોટું છે."
ખેડૂતોના મુદ્દે બોલતા તેમણે કહ્યું કે, "ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે લડી રહ્યા છે, AAP પણ ખેડૂતોની સાથે લડી રહી છે." તેમણે ખેડૂતો પર થયેલા બર્બરતાપૂર્વક લાઠીચાર્જ, ટીયર ગેસ છોડવા અને ખોટા કેસ કરવાને "તદ્દન ખોટું" ગણાવ્યું હતું.
પીડિત પરિવારોને આશ્વાસન આપતા કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું કે, "તમારે કોઈએ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી, આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી છે."
તેમણે દિલ્હીમાં રહીને પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હોવાનું જણાવી કહ્યું કે, "હું અહીંયા દિલ્હીમાં પળે પળની જાણકારી મેળવી રહ્યો છું, કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં."
કેજરીવાલે વધુમાં વચન આપ્યું હતું કે, "ખેડૂતોને વકીલની સહાયતા પણ આપીશું, અમારા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ તમારી સાથે છે, અમે તમને પૂરેપૂરી સહાયતા કરીશું." આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોના સંઘર્ષમાં માત્ર નૈતિક જ નહીં, પણ કાયદાકીય મદદ પણ પૂરી પાડશે.







