મધ્યપ્રદેશ સિરપ કાડ રેલો સુરેન્દ્રનગર સુધી પહોચ્યો, શેપ ફાર્મા કંપનીમાં દિલ્હી અને ગુજરાતની ટીમોના ધામા
મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ અનેક બાળકોના કરૃણ મૃત્યુ થતાં આ મામલાના તાર

મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ અનેક બાળકોના કરૃણ મૃત્યુ થતાં આ મામલાના તાર હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. આ જીવલેણ ઝેરી કફ સિરપના નેટવર્કનું કનેક્શન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હતુ
શેપ ફાર્મા કંપનીમાં દિલ્લી અને ગુજરાતની ટીમોના દરોડા
મધ્યપ્રદેશમાં બાળકોના મૃત્યુનું કારણ બનેલી રેસ્પીફ્રેસ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા વધુ મળી આવ્યું છે, જે સિરપને ઝેરી બનાવે છે. આ કેમિકલના ઊંચા પ્રમાણના કારણે સિરપના સેમ્પલ અમાન્ય જાહેર થયા છે. આ મામલે ગુજરાતની બે ફાર્મા કંપનીઓ શંકાના દાયરામાં છે, જેમાંથી એક કંપની સુરેન્દ્રનગરની છે. મળેલી માહિતી મુજબ સુરેન્દ્રનગરની શેપ ફાર્મા પ્રા.લિ. નામની કંપનીએ મધ્યપ્રદેશમાં કફ સિરપ બનાવવા માટેનો કાચો માલ પૂરો પાડયો હતો.
ગુજરાતની આ બે કંપનીના કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ
આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને મધ્યપ્રદેશ સરકારે ગુજરાતની આ બે કંપનીના કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગાંધીનગર ડ્રગ્સ વિભાગે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સઘન તપાસ શરૃ કરી દીધી છે.
ડ્રગ્સ વિભાગની ટીમે ખાસ કરીને સુરેન્દ્રનગરની શેપ ફાર્મા પ્રા.લિ.માં જઈને ઝીણવટભરી તપાસ કરી હતી અને જરૃરી સેમ્પલો એકત્ર કર્યા હતા. નફો કરવાની લ્હાયમાં દવા બનાવતી કંપનીઓ દ્વારા થતા નિયમોના ઉલ્લંઘન અને બાળકોના જીવન સાથેના ચેડાંની આ ગંભીર ઘટનાએ રાજ્યભરમાં ચિંતા જગાવી છે. સરકાર આ મામલે કડક કાર્યવાહી કરે અને ગુનેગારોને સખત સજા આપે તેવી માંગ પ્રબળ બની છે. સુરેન્દ્રનગરની આઈબી ટીમ પણ સીરપકાંડના સમાચાર સાંભળી રાજકોટ હાઈવે પર આવેલી શેપ ફાર્મા કંપનીમાં પહોંચી પુછપરછ તેમજ ચેકીંગ હાથધરી જરૃરી વિગતો મેળવી હતી.





