લ્યો બોલો! શિક્ષિકાબેન અમેરિકામાં ને નોકરી અંબાજીમાં, બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ
અંબાજી: ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

અંબાજી: ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી નજીકની પાન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વિદેશમાં સ્થાયી પણ હજી ફરજ પર શાળામાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે.
ભાવનાબેન નામના શિક્ષિકા પાન્છા પ્રાથમિક શાળામાં ફરજના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો છે. વર્ષોથી ભાવનાબેન નામના શિક્ષિકા વિદેશમાં રહે છે, તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે. ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા પાન્છા પ્રાથમિક શાળામાં ન તો હાજર થઈ રહ્યા છે ન તો રાજીનામુ મૂકી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સામે ખિલવાડ કરતો કિસ્સો સામે આવ્યો છે.
પાન્છા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલબેન કહ્યું કે, ‘શિક્ષણ વિભાગને અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિત અરજી કરી છે છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.
ગુજરાતનું શિક્ષણ વિભાગ ધોર નિંદ્રામાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે, ‘જે બેન 8 મહિનાથી ગેરહાજર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેરહાજરી દરમ્યાન કોઈપણ પગાર ચૂકવવામાં આવ્યો નથી.’






