આણંદ:તારાપુર-વટામણ હાઇવે પર શ્વાન આડું ઉતરતા કાર રેલિંગ સાથે અથડાઈ, બેના મોત
આણંદનાં તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હત

આણંદનાં તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મૃત્યુ
વડોદરાથી સારંગપુર જઈ રહેલા પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઈજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
અચાનક શ્વાન આડું આવતા કાર પલ્ટાઈ ગઈ
વડોદરાના આકાશ રાણા સોમવારે (નવમી ડિસેમ્બર) રાત્રે કાર લઈને તેમના મિત્ર અનિલ પંડયા, અક્ષય રાજપુત, પ્રણવ પંડ્યા અને જીગ્નેશ વસાવા સારંગપુર જવા માટે નીકળ્યા હતા. રાત્રે દસેક વાગ્યાના અરસામાં કાર તારાપુર-વટામણ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે વરસડા સીમ નજીક અચાનક શ્વાન આડું આવતા આકાશ રાણાએ કાર રોડની ડાબી બાજુ લઈ જતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા લોખંડની રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી.
આ પણ વાંચો:ગુજરાત ભાજપમાં ભડકો: વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા પર હાઈકમાન્ડે લગાવી બ્રેક
અકસ્માતની જાણ થતાં 108 ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પ્રણવ પંડયા અને જીગ્નેશ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અનિલ પંડયા તથા અક્ષય રાજપુતને ગંભીર ઈજા પહોંચતા કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આકાશને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અંગે આકાશ રાણાની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.






