Tapi News: ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ભય, 9 ગેટ ખોલીને 99424 ક્યુસેક પાણી છોડાયું

છેલ્લા થોડા દિવસોથી ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે ડેમની સપાટીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 334.68 ફૂટ પર પહોંચી ગઈ છે. સપાટી રૂલ લેવલ નજીક પહોંચી ગઈ હોવાથી ભયનો માહોલ સર્જાયો છે. જેથી હાલ ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના પગલે ડેમમાં 128264 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમમાંથી 99424 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં લાઈવ સ્ટોરેજ અને વર્તમાન કેપિસિટી ડેમની વધી છે. હાલ ડેમનું ઓગસ્ટ માસનું રૂલ લેવલ 335 ફૂટ છે. જ્યારે હાલની સપાટી 333.68 ફૂટ છે.
કોઝ વે બંધ કરાયો
ઉકાઈ ડેમમાંથી પાણી કાકરાપારમાં આવી રહ્યું છે. જેથી કાકરાપારની સપાટી 159.90 ફૂટ પહોંચી ગઈ છે. મોતિચેરનું લેવલ 53 ફૂટ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી સુરતના સિંગણપોર વિયર કમ કોઝવેનું લેવલ 5.98 મીટર પહોંચી ગયું છે. જેથી વાહનવ્યવહાર માટે ફરીથી કોઝ વેને બંધ કરવામાં આવ્યો છે.

