Ahmedabad / મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી, જીવ બચાવવા 2 કર્મચારીઓએ છલાંગ લગાવી, 1નું મોત

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસ (મેગ્નેટ ફ્લોરા)ના બીજા માળે સોમવારે(2 નવેમ્બર) રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી સર્જાઈ હતી. ધુમાડાના ગોટા વચ્ચે ફસાયેલા લોકોમાંથી ગભરાટમાં 2 કર્મચારીઓ જીવ બચાવવા નીચે કૂદી પડ્યા હતા. મૂળ રાજકોટના યુવકનું મોત નીપજ્યું છે અને અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ 3 લોકોને ફાયર વિભાગે સીડીની મદદથી સહીસલામત રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.
થલતેજના મેગ્નેટ કોર્પોરેટ હાઉસ બિલ્ડિંગના બીજા માળે લાગી ભીષણ આગ
શહેરના કોર્પોરેટ હાઉસમાં સામાન્ય દિવસની જેમ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક બીજા માળે આગ લાગી હતી. જોતજોતામાં ધુમાડો સમગ્ર ફ્લોર પર ફેલાઈ જતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે અન્ય કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. ગભરાયેલા 2 કર્મચારીઓએ બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો.
દરમિયાન સ્થાનિકો અને સુરક્ષાકર્મીઓએ તુરંત ફાયર કંટ્રોલરૂમને જાણ કરતાં નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ એક તરફ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને બીજી તરફ સ્નોર્કલ/સીડી લગાવી બિલ્ડિંગમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ચીસાચીસ વચ્ચે બે લોકોએ છલાંગ લગાવી, નીચે ઊભેલા લોકોએ ઝીલવા પ્રયાસ કર્યો
બીજા માળેથી કાળા ડિબાંગ ધુમાડા નીકળતાં જ અંદર કામ કરતા કર્મચારીઓનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. બહાર નીકળવાનો રસ્તો ધુમાડાથી ઘેરાઈ જતાં બે કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને નીચે કૂદકો માર્યો હતો. નીચે હાજર લોકોએ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા. ફાયર ટીમે સમયસૂચકતા વાપરી સીડી લગાવી અન્ય ત્રણ લોકોને હેમખેમ ઉતારી લેતાં મોટી જાનહાનિ ટળી હતી.






