VIDEO: તાપીમાં નેશનલ હાઈવે ૫૬ પર નવા બનેલા બ્રિજમાં પડ્યા મસમોટા ભૂવા
તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૫૬ પરથી સરકારી કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. વાપીથી શામળાજીને જોડતા આ વ્યસ્ત હાઈવે પર તાજેતરમાં જ એક નવો માઈનોર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસાના આ પહેલા જ વરસાદમાં આ કરોડોના ખર્ચે બનેલા બ્રિજની ગુણવત્તાના લીરેલીરા ઉડી ગયા છે. ડોલવણ તાલુકાના ગડત ગામ પાસેથી પસાર થતા આ હાઈવે પર પહેલા જ વરસાદે મસમોટો ભૂવો પાડી દીધો છે.નવા બનેલા એપ્રોચ રોડની બંને બાજુએ મસમોટા ભૂવા પડી જતાં હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. પ્રથમ વરસાદ પણ આ નવો બ્રિજ સહન કરી શક્યો નથી, જેને પગલે નેશનલ હાઈવેની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં અનેક સવાલો અને ભારે રોષ ઉભો થયો છે. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો માટે આ ભૂવાઓ અત્યારે ભારે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે ત્યારે તંત્ર આ મામલે શું પગલાં લેશે તે જોવું રહ્યું.

