Ahmedabad news: જે પણ કોઈ ટ્રાફિકના નિયમો તોડે તે તમામની સામે શરમ રાખ્યા વગર કાર્યવાહી કરો, કોઈ કાયદાથી પર નથી- હાઈકોર્ટ
શહેર સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાફિક, માર્ગો-ફૂટપાછ ગેરકાયદેસર દબાણો સહિ

શહેર સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાફિક, માર્ગો-ફૂટપાછ ગેરકાયદેસર દબાણો સહિતના મુદ્દે થયેલી કન્ટેપ્ટ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે સરકાર, સત્તાવાળા અને ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે રોંગ સાઈડ વાહનો વિરુદ્ધની કાર્યવાહીમાં હાઈકોર્ટ જજના ડ્રાઈવર હોય કે પછી સરકારના ઉચ્ચપદાધિકારી કે કોઈપણ ઉચ્ચ આસન પર બેઠેલા અધિકારીના રોંગ સાઈડમાં આવતા વાહનો હોય તમામ કિસ્સામાં કોઈની પણ શેહશરમ કે પ્રભાવમાં આવ્યા વિના નિષ્પક્ષતાથી કાર્યવાહી કરો.
ઉચ્ચ પદાધિકારી ના હોય કાયદાનો ભંગ કરે તેની સામે કાર્યવાહી કરો -ગુજરાત હાઈકોર્ટ
જસ્ટિસ એસ,સુપહીયા અને જસ્ટિસ આર.ટી વાચ્છાણીની ખંડપીઠે ગુજરાત હાઈકોર્ટ લખેલી કાર રોંગ સાઈડમાં આવતી હોવાની વાતની ગંભીર નોંધ લેતાં હાઈકોર્ટ સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટ જજનો ડ્રાઈવર હોય કે કોઈપણ ઉચ્ચ સરકારી અધિકારી કે પછી ગમે તેટલો ઉચ્ચ પદાધિકારી ના હોય કાયદાનો ભંગ કરે તેની સામે કાર્યવાહી કરો, જો મારો ડ્રાઈવર હોત તો હું જાતે એફઆઈઆર કરાવત. અમે આવું કલ્ચર નથી ઈચ્છતા. જસ્ટિસ એ.એસ.સુપહીયાએ સરકાર અને સત્તાવાળાઓને માર્મિક ટકોર કરી હતી કે તાજેતરમાં જ અમદાવાદ દેશમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, પરંતુ હવે આપણા શહેરને સહિયારા પ્રયાસોથી સેફ સીટી પણ બનાવો કે જ્યાં અકસ્માતો ના હોય અને લોકો નિશ્ચિંતતાથી જીવી શકે.
છેલ્લા 6 દિવસમાં રોંગસાઈડ ડ્રાઈવીંગ વિરુદ્ધ 11077 કેસો
સરકાર પક્ષથી જણાવાયું કે રોંગ સાઈડ વિરુદ્ધની આકરી ઝુંબેશના ભાગરૂપે છેલ્લા 6 દિવસમાં શહેરમાં રોંગ સાઈડ ડ્રાઈવીંગ કરતાં વાહનચાલકો વિરુદ્ધ 11,077 કેસો કરવામાં આવ્યા છે. તો આ અંગે 319 FRI નોંધવામાં આવી છે, 1.98 કરોડથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
ગેરકાયદે અને આડેધડ પાર્કિંગના કારણે પણ સમસ્યા
સરકારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે જ્યાં રોડ પર કટ વધુ આવે છે ત્યાંથી લોકો રોંગ સાઈડમાં વધુ આવે છે. જજીસ બંગલો રોડ પર જ બે કટ છે, એટલે ત્યાં રોંગ સાઈડ ડ્રાઈવીંગ ઓછું છે. જોકે અરજદાર પક્ષ તરફથી હાઈકોર્ટને જણાવ્યું કે ત્યાં ગેરકાયદે અને આડેધડ પાર્કિંગની ગંભીર સમસ્યા છે. જેના લીધે ભયંકર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.






