વડોદરા : છાણી નર્મદા કેનાલ પર સોલાર પેનલનું કામ કરી રહેલા પુરુષનું શંકાસ્પદ મોત
વડોદરા શહેરના છાણીમાં નર્મદા કેનાલ પર સોલાર પેનલનું કામ કરતા સમયે કેનાલમાં પડી જતા

વડોદરા શહેરના છાણીમાં નર્મદા કેનાલ પર સોલાર પેનલનું કામ કરતા સમયે કેનાલમાં પડી જતા કોન્ટ્રાકટરના એક કર્મચારીનું મોત થયું છે, જો કે આ ઘટનામાં ઓફિસ બોય તરીકે કામ કરી રહેલા પુરુષને કેનાલ પર સોલાર પેનલ સાફ કરવાનું કામ કેમ આપવામાં આવ્યું એ અનેક સવાલો ઉભા કરે છે.
સોલાર પેનલ સાફ કરતા સમયે કેનાલમાં પડ્યો
ઘટના અંગે મળતી માહિતી મુજબ વડોદરા શહેરના છાણીમાં નર્મદા કેનાલ પર લાગેલી સોલાર પેનલના મેન્ટેનન્સ કામનો કોન્ટ્રાકટ મેઘા એન્જિનિયરિંગ પાસે છે. ગત તારીખ 4 ડિસેમ્બરના રોજ નર્મદા કેનાલ પર સોલાર પેનલ સાફ કરી રહેલા ઓફિસ બોય મૂળશંકર માળીનું કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. તેમનો મૃતદેહ કેનાલમાં તરતો દેખાયો હતો.
ઓફિસ બોયને કેનાલ પર સોલાર પેનલ સાફ કરવાનું કામ શા માટે સોંપાયું ?
મૃતક મેઘા એન્જિનિયરિંગમાં ઓફિસ બોય તરીકે ફરજ બજાવતા હતા, તો પછી એમની પાસે કેનાલ પર લાગેલી સોલાર પેનલ સાફ કરવાનું કામ શા માટે કરાવવામાં આવ્યું એ એક મોટો સવાલ છે.
મૃતકના પુત્ર ચેતને નિવેદન આપતા કહ્યું કે તેના પિતા ઓફિસ બોય અને ગાર્ડનર હતા, છતાં તેમને કેનાલ પર સોલાર પેનલ સાફ કરવા સહિત અન્ય વધારાના કામો પણ કરાવવામાં આવતા હતા. પુત્રએ એમ પણ કહ્યું કે ઘટના બાદ મેઘા એન્જિનિયરિંગના અધિકારીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે.






