રાજકોટ: આજી નદીનાં પટ્ટમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે ભાઈબંધો એ જ કરી મિત્રની કરપીણ હત્યા
રાજકોટના નવા થોરાળા વિસ્તારનાં ગોકુલપરામાં રહેતાં નિતિન ઉર્ફે ઉર્ફે નાથો પરસોતમ સોલંકી (ઉ.વ

રાજકોટના નવા થોરાળા વિસ્તારનાં ગોકુલપરામાં રહેતાં નિતિન ઉર્ફે ઉર્ફે નાથો પરસોતમ સોલંકી (ઉ.વ. 21) ગત રવિવારે રાતના ગુમ થયો હતો. ગત રાત્રે તેની હત્યા કરાયેલી લાશ આજી નદીનાં પટ્ટમાંથી મળી આવી હતી. આ મર્ડરનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી લઈ એક આરોપી મનોજ પ્રવિણ મકવાણાની અટકાયત કરી છે. જ્યારે બીજો આરોપી કરણ હેમત રાઠોડ ભાગી જતાં તેની શોધખોળ શરૂ કરી છે.
નિતિને પ્રેમ લગ્ન કર્યા
થોરાળા પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે હત્યાનો ભોગ બનનાર નિતિને પ્રેમ લગ્ન કર્યા હતાં. જો કે બાદમાં તેનાં છૂટાછેડા થઈ ગયા હતાં. આમ છતાં તેને પૂર્વ પત્ની સાથે મિત્ર કરણને સંબંધ હોવાની શંકા હતી. જેને કારણે બંને વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી.
કાલે સવારે જોઈ લઈશની ધમકી આપી
ગત શનિવારે પણ નિતિન ઉર્ફે અને કરણ અને મનોજ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ઉશ્કેરાયેલા નિતિન ઉર્ફે નિખીલે કાલે સવારે તમને બંનેને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી.પરિણામે બંનેને ડર લાગ્યો હતો.
કરણ અને મનોજે પથ્થરના ઘા મારી નિતિનની હત્યા કરી
બીજા દિવસે રવિવારે ત્રણેય મનોજનાં ઘરે ભેગા થયા હતાં. જોકે તે વખતે માથાકુટ થઈ ન હતી. ત્યાર પછી રાત્રે ત્રણેય આજી નદીનાં પટ્ટમાં ભેગા થયા હતાં. જ્યાં બોલાચાલી થયા બાદ આવેશમાં આવી કરણ અને મનોજે નજીકમાં પડેલા પત્થરનાં આડેધડ ઘા ઝીંકી નિતીન ઉર્ફે નિખિલની ઘાતકી રીતે હત્યા નિપજાવી હતી. ત્યાર પછી કરણ મુંબઈ જવાનું કહી રવાના થઈ ગયો હતો. મનોજે મુંબઈ જવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં તે પગપાળા ચોટીલા દર્શન કરવા જતો રહ્યો હતો. બીજી તરફ ત્રણેય મોડી રાત સુધી ઘરે નહી આવતાં તેમનાં પરિવારજનો ગુમ થયાની જાહેરાત કરવાં થોરાળા પોલીસ મથકે પહોંચ્યા હતાં. જો કે મનોજ થોડીવાર પછી મળી ગયો હતો જયારે કરણ બી.ડિવિઝન પોલીસની હદમાંથી લાપતા થતા તેનાં પરિવારને ત્યાં જાહેરાત કરવા મોકલાયો હતો.






