Surendranagar/ પાટડી-બજાણા રોડ પર પાણી પુરવઠાના ટેન્કરે યુવકને કચડ્યો; ચાલક ટેન્કર મૂકી ફરાર

સુરેન્દ્રનગર: ઝાલવાડના પાટડી-બજાણા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રણમાં મીઠું પકવતા અગરિયાઓને પાણી પૂરું પાડતા પાણી પુરવઠા વિભાગના ટેન્કરે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સેડલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સેડલા ગામના યુવકે ગુમાવ્યો જીવ
અકસ્માતનો ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ અતુલ ગેડિયા તરીકે થઈ છે, જે સેડલા ગામનો રહેવાસી હતો. અતુલ પાટડી-બજાણા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણી પુરવઠા વિભાગના પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે અતુલનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
અકસ્માત સર્જી ચાલક ફરાર
ખાસ વાત એ છે કે, આ ટેન્કર રણમાં અગરિયાઓને પાણી પહોંચાડવાના કામમાં રોકાયેલું હતું. અકસ્માત સર્જાયા બાદ ટેન્કર ચાલક માનવતા નેવે મૂકી, ટેન્કરને રસ્તા પર જ મૂકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પરિવાર પર આભ ફાટી પડ્યું
યુવાન દીકરાના અચાનક મોતના સમાચાર મળતા જ અતુલ ગેડિયાના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે અતુલના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

