Surendranagar/ જમીન કૌભાંડમાં EDની એન્ટ્રી, નાયબ મામલતદારની કબૂલાત- 'હા, એ 67 લાખ લાંચના જ છે'
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન હેતુફેર (NA) કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન

સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન હેતુફેર (NA) કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. એસીબી (ACB) બાદ હવે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એન્ટ્રી કરી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ કબૂલાત કરી છે કે તેમની પાસેથી મળી આવેલા રૂ. 67.50 લાખ એ લોકો પાસેથી ઉઘરાવવામાં આવેલી લાંચની રકમ છે.
કૌભાંડની મોડસ ઓપરેન્ડી: પ્રતિ ચોરસ મીટર ₹10નો ભાવ
તપાસમાં બહાર આવ્યું છે કે બિન-પિયત જમીનનો હેતુફેર (NA) કરવા માટે લાંચનો ચોક્કસ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. અરજદારો પાસેથી પ્રતિ ચોરસ મીટર દીઠ રૂ. 10 વસૂલવામાં આવતા હતા. આ રકમ ઉઘરાવ્યા બાદ જ ફાઈલો આગળ ચલાવવામાં આવતી હતી.
EDએ નોંધી ફરિયાદ: પૂર્વ કલેક્ટર અને સ્ટાફની વધશે મુશ્કેલી
EDના અધિકારી સિદ્ધાર્થ જૈને સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ ફરિયાદ નોંધી છે. આ કેસમાં મુખ્ય આરોપીઓ તરીકે નીચેના નામો દર્શાવવામાં આવ્યા છે:
- ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર)
- રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ (પૂર્વ જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર)
- જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના પીએ)
- મયુર ગોહિલ (ક્લાર્ક)
ડાયરી અને કોડવર્ડ ખોલશે રાઝ
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસેથી મળી આવેલા દસ્તાવેજો અને એક અંગત ડાયરીમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડાયરીમાં લાંચ લેનાર અને આપનારના ટૂંકાક્ષરી નામ અને રહસ્યમય કોડવર્ડ લખવામાં આવ્યા છે. આ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ માટે EDએ હવે કલેક્ટર ઓફિસના સ્ટાફને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
મની લોન્ડરિંગના પુરાવાની તપાસ
ED એ બાબતની તપાસ કરી રહી છે કે લાંચ પેટે મેળવેલા કરોડો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા અથવા કેવી રીતે સગેવગે કરવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રસિંહ મોરીની પૂછપરછમાં અનેક મોટા માથાઓના નામ સામે આવી શકે છે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડ હવે માત્ર ભ્રષ્ટાચારનો કેસ ન રહેતા આંતરરાજ્ય મની લોન્ડરિંગના સ્તર પર પહોંચ્યું હોય તેમ જણાય છે.







