Surat news: ઝેર આપ્યા બાદ પણ પતિનું મોત ન થતાં પત્નીએ ગળું દબાવી પતાવી દીધો, જાણો હત્યાનું ચોંકાવનારું કારણ

સુરતના લિંબાયતમાં પત્નીએ પતિની હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ દ્વારા સેક્સવર્ધક દવાઓ લઈને પત્ની પર ગુજારવામાં આવતા શારીરિક ત્રાસથી કંટાળીને પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપીને પતિનું ગળું દબાવી દીધું હતું. મૃતકની દફનવિધિ સમયે સમગ્ર ભાંડો ફૂટતાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બેડ રૂમમાં પતિની ક્રૂરતાનો પત્ની લાવી ખૌફનાક અંત
મળતી માહિતી મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં હૈદરઅલી નામના શખસની તેની પત્નીએ હત્યા કરી હતી. પતિની હત્યા મામલે પત્નીએ જણાવ્યું હતું કે, 'મારા પતિ મુંબઈમાં નોકરી કરતા હતા અને તેઓ મહિનામાં એકાદ વાર ઘરે આવતા ત્યારે સેક્સવર્ધક ગોળીઓ ખાઈને મને શારીરિક યાતના આપતા હતા.' અંતે પતિની ક્રૂરતાથી કંટાળીને પત્નીએ મોતને પ્લાન બનાવ્યો હતો.
મૃતકના ભાઈને શંકા જતાં પોલીસને જાણ કરી
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, 1 જાન્યુઆરીએ હૈદરઅલી ઘરે હતો, ત્યારે પત્નીએ પતિના દૂધમાં ઉંદર મારવાની ઝેરી દવા ભેળવીને પીવડાવ્યું હતું, પણ તેનું મોત ન થતા 5 જાન્યુઆરીના રોજ હૈદરઅલીનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી.
સમગ્ર ઘટનામાં ભાઈના મોત બાદ મૃતદેહને તેમના વતન બિહારના પૂર્વી ચંપારણમાં દફનવિધિ કરવાનું કહેતા મૃતકની પત્ની અને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. અંતે હત્યાની શંકાને લઈને મૃતકના ભાઈએ આ મામલે પોલીસને જાણ કરી હતી.
આ પછી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. જેમાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. પીએમ રિપોર્ટ મુજબ, મૃતકને ઝેરની સાથે ગળું અને છાતી દબાવતા મોત થયું હતું. પતિની હત્યાના કેસમાં પોલીસે આરોપી પત્ની વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

