VIDEO: Suratમાં પાણીની ટાંકી ખખડધજ, 10 વર્ષમાં જ હાલત જર્જરિત થતાં ભ્રષ્ટાચારના ઉઠ્યાં સવાલ
સુરતના વડોદ વિસ્તારમાં પાણીની ટાંકીની હાલત ગંભીર ચિંતા જગાવે એવી બની છે. 21 ઓગસ્ટ 2015ના રોજ લોકાર્પણ કરાયેલ આ ટાંકી માત્ર દસ વર્ષમાં જ જર્જરિત બની ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાંકીમાંથી પાણી ટપકતું હોવાનું જણાઈ આવતાં તેઓએ તેનું વિડીયો પણ બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડીયોમાં ટાંકીના નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળે છે, જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કરે છે. ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે. પાણીની આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જ ટાંકીનું જર્જરિત થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને જ દર્શાવે છે. હવે તંત્ર દ્વારા આ પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલા લેવાનું અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે.

