VIDEO: દુબઈ એરપોર્ટ પર ડ્રોન એટેકથી સુરતના હીરા ઉદ્યોગકારો મુશ્કેલીમાં, ફ્લાઈટ્સ રદ થતા વેપાર ઠપ
VIDEO: વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિની નકારાત્મક અસર હવે સુરતના ડાયમંડ માર્કેટ પર જોવા મળી રહી છે. સુરત એ વિશ્વનું ડાયમંડ હબ છે, જ્યાં દુનિયાના 10માંથી 9 હીરા તૈયાર થાય છે. જોકે, મધ્ય-પૂર્વના દેશોમાં વધતા તણાવને કારણે હીરાના ઉત્પાદનથી લઈને એક્સપોર્ટ સુધીની આખી ચેઈન પ્રભાવિત થઈ છે.
દુબઈ એરપોર્ટ બંધ થતા રફ ટ્રેડિંગને ફટકો
ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટ (IDI)ના ચેરમેન દિનેશ નાવડિયાના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા આરબ અમીરાતના નાના દેશો અને અમેરિકન બેઝ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. સુરતના હીરા ઉદ્યોગ માટે દુબઈ ખૂબ મહત્ત્વનું કેન્દ્ર છે, કારણ કે 60 થી 65 ટકા રફ ટ્રેડિંગના ટેન્ડરો ત્યાં ભરાય છે. દુબઈ એરપોર્ટ બંધ થતા અને ફ્લાઈટ્સ રદ થતા સુરતના અનેક વેપારીઓ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચી શક્યા નથી, જેનાથી રફ હીરાની સપ્લાયમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે.
એક્સપોર્ટ પર જોખમ
સુરત અને ગુજરાતની જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીનું લગભગ 8થી 10 ટકા જેટલું એક્સપોર્ટ ઈરાન, ઈઝરાયેલ અને ગલ્ફ દેશોમાં થાય છે. ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશન બાદ સર્જાયેલી નેગેટિવ ઈમ્પેક્ટને કારણે એક્સપોર્ટ ઓર્ડર્સ પર પણ અસર પડી રહી છે. વેપારીઓએ લીધેલી એપોઇન્ટમેન્ટ્સ રદ થઈ રહી છે, જેના કારણે લાખો કરોડોના વ્યવહારો અટવાયા છે.
ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ
સુરતના ડાયમંડ ઉદ્યોગકારો અત્યારે 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં હીરાની અછત અને ભાવોમાં મોટી વધઘટ જોવા મળી શકે છે. ખાસ કરીને રફ હીરાની આયાત અટકી પડતા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં કામકાજ પર પણ અસર પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

