સુરતમાં દોડી રહી છે 'મોતની બસ', ફાટેલા ટાયરો સાથે મુસાફરોનો જીવ જોખમમાં મૂકતી બસનો VIDEO VIRAL
Video viral: સુરત મહાનગર પાલિકા દ્વારા ચલાવવામાં આવતી બ્લુ BRTS બસો અત્યારે વિવાદના વમળમાં છે. સુરત મનપાના અધિકારીઓની રહેમનજરે ઈજારદારો મુસાફરોના જીવ સાથે ખીલવાડ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં દોડી રહેલી આ બસો હવે 'મોતની બસ' સાબિત થઈ રહી છે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તા દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બ્લુ BRTS બસ સાવ ફાટેલા અને ઘસાયેલા ટાયરો પર રસ્તા પર દોડી રહી છે. જ્યારે આ બાબતે બસના ચાલકને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જે ખુલાસો કર્યો તે વધુ ચોંકાવનારો હતો.
આક્ષેપ
મોટાભાગની બસોની હાલત ખરાબ બસ ચાલકે જણાવ્યું હતું કે, મોટાભાગની બસો અત્યારે એક જ ટાયરના ભરોસે ચાલી રહી છે અને બસોનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. સ્પેરપાર્ટ્સ કે ટાયર બદલવાની રજૂઆતો છતાં ઈજારદારો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
તંત્ર સામે સવાલો
આ ઘટનાએ સુરત મહાનગર પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. જેમાં જો હાઈસ્પીડ BRTS ટ્રેક પર ચાલુ બસે ટાયર ફાટે અને મોટી દુર્ઘટના સર્જાય, તો તેનો જવાબદાર કોણ?, શું પાલિકાના અધિકારીઓ જાણીજોઈને ઈજારદારોની આ બેદરકારી તરફ આંખ આડા કાન કરી રહ્યા છે?. આ ઉપરાંત ઈજારદારોને ચૂકવવામાં આવતા કરોડો રૂપિયાના મેન્ટેનન્સ ચાર્જનું શું થાય છે? હવે જોવાનું એ રહેશે કે સુરત મહાનગર પાલિકા આ મામલે કડક હાથે કામ લઈને ઈજારદાર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી દર વખતની જેમ સમગ્ર કેસમાં ભીનું સંકેલાશે.

