સુરતમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત બે કર્મીઓ લાંચ લેતા ઝડપાયા, ફટાકડાના લાયસન્સ બદલ માંગ્યા હતા પૈસા

સુરતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચિયા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવા બદલ રૂ. 11 હજારની લાંચ લેતા સુરત મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદારને ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
11 હજાર લાંચની માગણી કરાઈ
મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 37(A) હેઠળ આવતા પીપલોદ વિસ્તારમાં ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા એક નાગરિકે અરજી કરી હતી. લાયસન્સ આપવાની પ્રક્રિયા આગળ વધારવાના બદલામાં સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા રૂ. 11 હજારની લાંચની માગણી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે ACBની ટીમે 2 નવેમ્બર, 2026ના રોજ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર જયંતકુમાર જોશીના કહેવાથી સફાઈ કામદાર શૈલેષભાઈ કિશનભાઈ સોલંકીએ ફરિયાદી પાસેથી રૂ. 11 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. આ સાથે જ ACBની ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






