VIDEO: Surat / કરોડોના સી-ફેસ પ્રોજેક્ટ વચ્ચે નાના વેપારીઓ પાયમાલ, 17 વર્ષ જૂની લારીઓ હટાવાતા ભારે રોષ
સુરતના ડુમસ બીચ પર તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 'સી-ફેસ' પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે આ નવું નજરાણું ખુલ્લું મુકાતા સુરતીઓમાં ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ વર્ષોથી અહીં રોજીરોટી મેળવતા નાના વેપારીઓ માટે આ પ્રોજેક્ટ મુસીબત લઈને આવ્યો છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા અચાનક હાથ ધરાયેલી દબાણ હટાવવાની કામગીરીને પગલે નાના વેપારીઓની મુશ્કેલીઓ વધી છે.
ડુમસ બીચ પર છેલ્લા 17 વર્ષથી નાની લારીઓ ચલાવીને ગુજરાન ચલાવતા વેપારીઓનો આક્ષેપ છે કે, નવા પ્રોજેક્ટ બાદ અચાનક જ તંત્રને આ લારીઓ 'દબાણ' દેખાવા લાગી છે. SMC દ્વારા લારીઓ કબ્જે કરવાની કામગીરી શરૂ કરાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોતાની આજીવિકા બચાવવા માટે લાચાર બનેલા વેપારીઓએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને આ મામલે રજૂઆત કરી પોતાની વ્યથા ઠાલવી છે.ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓની માંગ છે કે તેઓ વર્ષોથી અહીં ધંધો કરી રહ્યા છે, તેથી તેમને શાંતિથી ધંધો કરવા દેવામાં આવે. ત્યારે હવે આ મામલે કોઈ નિરાકરણ આવશે કે કેમ મોટો પ્રશ્ન છે.

