બોગસ તબીબી ડિગ્રી આપનાર રશેષ ગુજરાતીની ક્રાઈમ કુંડળી, કોંગ્રેસના આ પદનો હતો પ્રમુખ

બોગસ, ડુપ્લિકેટ, નકલી આ શબ્દો છાસવારે સાંભળવા મળે છે. જેમાં હોસ્પિટલ, કોર્ટ,ટોલનાકા સહિતની ખાદ્યચીજોથી લઈને તમામ બાબતોમાં નકલીની બોલબાલા છે. ત્યારે સુરતમાં નકલી ડોક્ટર બનાવવાની જાણે કંપની હોય તેવું સામે આવ્યું છે. ડો. રશેષ ગુજરાતીએ ન માત્ર 1200થી વધુ લોકોને બોગસ ડિગ્રી આપી પરંતુ એ સિવાય ધમકી આપવાની સાથે સાથે ગર્ભપાત સહિતના કેસ પણ તેની સામે નોધાયા હોવાનું ખુલ્યું છે. જે કેસમાં તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.
ડો. રશેષ કોંગ્રેસમાં નેતા હતો
બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે. રશેષ ગુજરાતીની નિમણૂંક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રશેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. રશેષ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો. રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પૂરાવો સામે આવ્યો છે.

આ રીતે બોગસ ડિગ્રીનો ધંધો શરૂ કર્યો
રસેશે 2002માં ગોપીપુરા કાજીના મેદાન, રત્ન સાગર સ્કુલની સામે ‘ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટના અંડરમાં ‘ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજ’ની પણ સ્થાપના કરી હતી. ત્યારબાદ તેને અનુભવ થયો કે, લોકો ઇલેક્ટ્રો હોમિયોપેથીનો પ્રોપર ત્રણ વર્ષ અભ્યાસ કરવામાં રસ ધરાવતા નથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીનો અભ્યાસ અને સારવાર બહુમત મહેનતનું કામ છે અને લોકોમાં પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે જાગૃતતા નથી. જેથી લોકો પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી પાસે સારવાર કરાવતા નથી અને જેથી તેઓ સતત નુકશાનીમાં ચાલતા હતા.
કાયદો તોડવામાં માહેર
ડો. રસેશ ગુજરાતી પહેલેથી જ કાયદા તોડવામાં માહેર છે. સાત વર્ષ અગાઉ 2017માં રશેષ સામે ગંભીર કેસ નોંધાયો હતો. વયસ્ક સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો. જે માટે તે જેલની હવા પણ ખાઈ આવ્યો છે. કાયદાના લીરે લીરા કરીને ગર્ભપાત કરાવ્યો હતો. જેલથી બહાર આવ્યા બાદ પણ રશેષ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલો રહ્યો હતો. ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર અને પોતાને ડોક્ટર તરીકે રજૂ કરનાર ડો. રશેષ હાલ પાંડેસરા પોલીસ સકંજામાં છે.

બે કેસ નોધાયા
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રસેશ ગુજરાતીને લઈને બે કેસ નોંધાયા છે. ડો. રસેશ વિરુદ્ધ છેલ્લા 24 કલાકમાં બે નવા કેસ નોંધાયા છે.પ્રથમ કેસમાં નાગરિકો સાથે છેતરપિંડી કરીને તેમને નકલી ડિગ્રી આપવાનો છે.બીજા કેસમાં એક વ્યક્તિએ તેના વિરુદ્ધ જાનથી મારી નાંખવાની ધમકી અને ખંડણી વસૂલવાનો કેસ નોંધાવ્યો છે.
એક્સટોર્શન મની લેવાતી હતી
નકલી વેબસાઇટ શરૂ કરીને ગુજરાતમાં 1200 લોકોને નકલી ડિગ્રી આપી હતી. પ્રત્યેક વ્યક્તિ પાસેથી રૂ.70,000થી રૂ.80,000 વસૂલવામાં આવ્યા હતા. કોઈ તાલીમ કે દવાઓના જ્ઞાન વિના માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ આપીને લોકોને ઠગવામાં આવતા હતા. તે માત્ર નકલી ડિગ્રી જ આપતો ન હતો, પરંતુ ત્યારબાદ રજીસ્ટ્રેશન અને રિન્યુઅલના નામે દર મહિને રૂ 5,000 અને વર્ષમાં એક વખત રૂ 5,000 વસૂલી લેતો હતો. જે લોકો આ ફી આપતા ન હતા, તેમને બ્લેકમેલ કરવા માટે તેણે એક વ્યૂહ રચેલો હતો. અમદાવાદમાં રહેતા ડૉ. બી. કે. રાવતના નામે નોટિસ મોકલાવીને તે ડર પેદા કરતો હતો. તે માટે તેણે ઇરફાન અને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપાયેલા નકલી ડોક્ટર શોભિત સિંહને વસૂલી માટે રાખ્યા હતા. રસેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે.

