VIDEO: Suratમાં પોલીસની "ત્રીજી આંખ" એક્ટિવ, 20 ડ્રોનથી થશે શહેરભરમાં રખાશે નજર
સુરત શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની "ત્રીજી આંખ" એટલે કે ડ્રોન ટેકનોલોજી વધુ શક્તિશાળી બની છે. ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરમાં 8 નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે, જ્યારે શહેર પાસે પહેલાથી જ 12 ડ્રોન ઉપલબ્ધ હતા. એટલે હવે સુરત પોલીસ પાસે કુલ 20 હાઈ-ટેક ડ્રોન કાર્યરત રહેશે.
અનિચ્છનિય પ્રવૃતિ પર રહેશે નજર
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર, આવા ડ્રોનની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મૂકાશે. તહેવારો, રેલી, મોટી સભાઓ અને અન્યો પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે, જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર તાકીદે પગલાં લઈ શકાય.
ગુનાહિત પ્રવૃતિઓ પર રખાશે નિયંત્રણ
દરેક ડ્રોનની અંદાજે કિંમત રૂ. 25 લાખ છે અને તે 5 કિ.મી. સુધીની રેન્જમાં કામગીરી કરી શકે છે. આ તમામ ડ્રોન શહેરના વિવિધ DCP ઓફિસ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ SOG વિભાગોને ફાળવવામાં આવ્યા છે. આ પગલાથી સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ સઘન નિયંત્રણ આવશે અને શહેર વધુ સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

