દિવાળીની રાત્રે 112ના કંટ્રોલ રૂમમાં ટેલિફોનની ઘંટડીઓ રણકતી રહી, અમદાવાદમાં 26 ફાયર કોલ

દિવાળીના તહેવારની રાત્રે અમદાવાદ શહેરમાં ફટાકડા અને શોર્ટ સર્કિટના કારણે વિવિધ વિસ્તારોમાંથી આગ લાગવાના કુલ 26 કોલ ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને મળ્યા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં અલગ-અલગ સ્થળોએ લાગેલી આ આગની ઘટનાઓમાં ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ મોટાભાગના બનાવો ફટાકડાના તણખા પડવાથી કચરાના ઢગલા, બંધ મકાનોની ગેલેરી અને ખુલ્લા પ્લોટમાં બન્યા હતા, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
રાત્રે 10 વાગ્યા સુધીમાં 26 કોલ ફાયરબ્રિગેડને મળ્યા
દિવાળી પર્વને પગલે ફાયરબ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં અગ્નિશામક ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. રાત્રિના સમયે લોકો દ્વારા આતશબાજી શરૂ થતાં જ કંટ્રોલ રૂમમાં કોલ આવવાનો સિલસિલો શરૂ થયો હતો. મોડી રાત 10 વાગ્યા સુધીમાં કુલ 26 સ્થળોએ આગ લાગી હોવાના મેસેજ મળ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમમાંથી તાબડતોબ જે-તે વિસ્તારના નજીકના ફાયર સ્ટેશનની ગાડીઓને રવાના કરવામાં આવી હતી.
ક્યાં ક્યાં લાગી હતી આગ?
- ઘોડાસર (નિગમ બસ સ્ટેન્ડ પાસે, નીલગીરી સોસાયટી) – ભંગારની દુકાનમાં
- વાસણા (નારાયણ નગર, ચંદ્ર મૌલી હોલ પાસે)
- બોપલ–3, રાધેશ્યામ રો હાઉસ (મકાનમાં)
- નવરંગપુરા – લોયલા સ્કૂલના ગ્રાઉન્ડમાં (કચરામાં)
- નિકોલ (અમર જવાન સર્કલ પાસે) – ધ ગ્રાન્ડ સેરેનિટી (8મા અને 10મા માળે મકાનમાં)
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફટાકડા ફોડતી વખતે તણખા નજીકના સુકા ઘાસ, કચરાના ઢગલા કે મકાનની અગાશી પર પડેલા સામાન પર પડવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોકે, મોટાભાગના કોલ નાના અને મધ્યમ સ્વરૂપના હોવાથી ગણતરીની મિનિટોમાં જ જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના પગલે મોટું નુકસાન થતાં અટકી ગયું હતું.
ધાબા પર ભંગાર અને બંધ ફ્લેટની ગેલેરીઓ સોફ્ટ ટાર્ગેટ બની
ફાયરબ્રિગેડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગની આગ એવા સ્થળોએ લાગી જ્યાં લોકોએ અગાશી કે બાલ્કનીમાં નકામો ભંગાર અથવા કાગળના પૂંઠા રાખ્યા હતા. આકાશમાં ઊંચે જઈને ફૂટતા રોકેટ અને હવાઈ ફટાકડા સીધા સુકા કચરા કે કપડાં પર પડતાં આગ પકડી લેતી હતી. બંધ મકાનોની ગેલેરીમાં પડેલા ગાદલા-ગોદડાં પણ ઝડપથી આગની લપેટમાં આવ્યા હતા.











