ઘાટલોડિયામાં જડતરકામના વેપારી સાથે રૂ.27.60 લાખની છેતરપિંડી, 276 ગ્રામ સોનું લઈ કારીગર ફરાર

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સોનાના દાગીના પર જડતરકામ કરતા વેપારી સાથે રૂ.27.60 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીએ પોતાના ઓળખીતા કારીગરને જડતરકામ માટે અલગ-અલગ સમયે કુલ 276.050 ગ્રામ સોનાના દાગીના આપ્યા હતા. જોકે, દાગીના પરત કરવાનો સમય આવતાં કારીગરે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને પોતાના ઘરેથી તાળું મારી ફરાર થઈ ગયો હતો. આ મામલે વેપારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અલગ-અલગ સમયે કારીગરને આપ્યું સોનું
પોલીસ ફરિયાદ મુજબ, ઘાટલોડિયામાં રહેતા 50 વર્ષીય રાજેશભાઈ વિરજીભાઈ પટેલ ઘરેથી જ સોનાના દાગીના પર જડતરકામનો વ્યવસાય કરે છે. તેમના ઓળખીતા કારીગર લક્ષ્મીનારાયણ મદનલાલ સોનીને તેમણે દાગીનામાં જડતરકામ કરવા માટે સોનું આપ્યું હતું. રાજેશભાઈએ 30 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 4:30 વાગ્યે 184.910 ગ્રામ વજનનો એક સોનાનો સેટ અને 49.500 ગ્રામ વજનની બુટ્ટીની જોડી આપી હતી. ત્યારબાદ 1 નવેમ્બરના રોજ 19.850 ગ્રામ સોનાનું કુંદન અને 2 નવેમ્બરના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે 21.790 ગ્રામ વજનના સોનાના ચાર પીસ જડતરકામ માટે આપ્યા હતા.
દાગીના પરત માગતાં કારીગરનો ફોન બંધ
2 નવેમ્બરના રોજ વેપારીએ અગાઉ આપેલા દાગીના પરત મેળવવા માટે કારીગર લક્ષ્મીનારાયણને ફોન કર્યો હતો. જોકે, તેણે ફોન ઉપાડ્યો નહોતો કે કોઈ જવાબ આપ્યો નહોતો. આથી વેપારી તપાસ કરવા માટે કારીગરના નિર્ણયનગર સ્થિત ઘરે પહોંચ્યા હતા. ત્યાં ઘર બંધ હતું અને દરવાજે તાળું મારેલું જોવા મળ્યું હતું. વેપારીએ આસપાસના લોકો, અન્ય કારીગરો અને પોતાના મિત્ર વર્તુળમાં પણ લક્ષ્મીનારાયણની શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
રૂ.27.60 લાખના દાગીના લઈને ફરાર
આખરે વેપારીને ખ્યાલ આવ્યો કે કારીગર 276.050 ગ્રામ સોનાના દાગીના પરત આપ્યા વિના ફરાર થઈ ગયો છે. આ દાગીનાની કુલ કિંમત રૂ.27,60,500 થાય છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં રાજેશભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં કારીગર લક્ષ્મીનારાયણ મદનલાલ સોની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ફરાર કારીગરને શોધવા અને સોનાના દાગીના અંગે વધુ તપાસ હાથ ધરી છે.




