ઘાટલોડિયામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી, 38 લાખ સામે 57 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વ્યાજખોરોના કથિત ત્રાસથી કંટાળેલા યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. કૃતિક શાહ નામના યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, યુવકે વર્ષ 2023થી લીધેલા નાણાં પેટે મૂડી અને વ્યાજ સહિત મોટી રકમ ચૂકવી હોવા છતાં કથિત રીતે સતત ઉઘરાણી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
57 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી
પરિવારનો આક્ષેપ છે કે આશરે રૂ.38 લાખ સામે રૂ.57 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો તરફથી કથિત રીતે વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. ઘર અને ગાડી વેચાઈ ગયા હોવા છતાં ધમકીઓ આપવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે યુવક દ્વારા કરવામાં આવેલા લેખિત આક્ષેપોમાં મોન્ટુ બારોટ અને સંકેત વાજાના નામનો ઉલ્લેખ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. HDFC બેંકના બે ચેક જબરદસ્તીથી મેળવી લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના બાદ રામોલ પોલીસે જાણવાજોગ નોંધ કરી છે અને આગળની તપાસ ઘાટલોડિયા પોલીસને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

