VIDEO: Suratમાં કાપડ દલાલની હત્યા બાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોના ઘરે જઈ કરાઈ તપાસ
સુરતમાં થયેલી કાપડ દલાલની હત્યાને લઈને પોલીસ સજાગ થઈ ગઈ છે. પોલીસ દ્વારા લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનેગારોને કાયદાનો ડર બતાવવા આ કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસે સંગમ સર્કલથી લઈને મીઠીખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન, ખાસ કરીને અસામાજિક તત્વો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં લગભગ 20થી વધુ ગુનેગારોના નામ સામેલ હતા. આ ગુનેગારો મારામારી, લૂંટ, ચોરી, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસના આ રાત્રિ કોમ્બિંગનો મુખ્ય હેતુ ગુનાખોરીને અંકુશમાં રાખવાનો અને અસામાજિક તત્વોને કાયદાનો ડર બતાવવાનો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. જે ગુનેગારો હાલમાં ફરાર છે, તેમને ઝડપી પાડવા માટે પણ પોલીસે કવાયત શરૂ કરી છે.

