Ahmedabad / બોગસ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતી કાર ઝડપાઈ,  ડીસાનો બુટલેગર ગિરફ્તાર

Ahmedabad / બોગસ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતી કાર ઝડપાઈ,  ડીસાનો બુટલેગર ગિરફ્તાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

 દિવાળીના તહેવાર દરમિયાન માગને પહોંચી વળવા લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના એસ.જી. હાઈવે પરથી ઝડપાઈ ગયો છે. સોલા હાઈકોર્ટ પોલીસે એસ.જી. હાઈવે પર નીરમા યુનિવર્સિટી સામે વોચ ગોઠવીને બનાવટી નંબર પ્લેટ ધરાવતી કારમાંથી 4.52 લાખ રૂપિયાની કિંમતનો 1,800 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ડીસાના કારચાલકની ધરપકડ કરી કાર તથા મોબાઈલ સહિત કુલ 10.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.

બોગસ નંબર પ્લેટ અને 10 લાખનો મુદ્દામાલ કબ્જે

બાતમીના આધારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે મોડી રાત્રે એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજથી આગળ નીરમા યુનિવર્સિટી સામેના જાહેર માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક સફેદ રંગની કારને પોલીસે ઘેરીને અટકાવી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ચેતન માળી (ઉં.વ. 44, રહે. ડીસા, બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની 1,800 બોટલો (કિંમત રૂ. 4,52,736) મળી આવી હતી. વધુ તપાસમાં કાર પર બોગસ નંબર પ્લેટ લગાવેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર, દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ 10,57,736 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.નકશા જુઓ

જાહેરાત

શામળાજીથી ગુલબાઈ ટેકરા આપવાની હતી ડિલિવરી

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાણીપના જીતુ રાવળ ઉર્ફે જયઅંબેના કહેવાથી શામળાજી સરહદ પરથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે રહેતી સોનલ નામની મહિલાને ડિલિવરી આપવાની હતી. પોલીસે આ મામલે પકડાયેલા કારચાલક સહિત દારૂ મંગાવનાર અને મેળવનાર અન્ય બે શખસો સામે પણ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત