Surat News: નવરાત્રિના ગરબાની સાથે સેવાની સરવાણી, કેન્સર પીડિતો માટે કિંજલ મચાવશે ધૂમ

વિશ્વના સૌથી લાંબા નૃત્ય ફેસ્ટિવલ એટલે નવરાત્રિ. હવે માત્ર ગુજરાત પૂરતી જ સિમિત ન રહેતા દેશ પરદેશમાં પણ એટલી જ ઉજવાઈ રહી છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સેવાના હેતુ સાથે ગરબામાં કિંજલ દવે ધૂમ મચાવશે. કેન્સર પીડિતોની મદદ માટે આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. વેસુ વિસ્તારમાં આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓની સુરક્ષા સહિતની બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મહિલા સુરક્ષાનું ધ્યાન રખાયું
નવરાત્રિના આયોજક પરેશભાઈએ કહ્યું કે, ભગવાન મહાવીર કોલેજ સામેનું ગ્રાઉન્ડ, વીઆઇપી રોડ, વેસુ ખાતે આ વર્ષે આયોજન કરવા જઈ રહ્યાં છીએ. એર કન્ડિશન્ડ ડોમમાં અદ્યતન સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને મોકળાશથી ગરબે ઘુમવાનો આનંદ લઇ શકે તે રીતે વિશાળ જગ્યા કરવામાં આવી છે. ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોને પાર્કિંગની પણ કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે. સાથે સાથે કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તેના માટે સૌથી સરળ અને ડિજિટલાઇઝડ એન્ટ્રી રાખવામાં આવી છે. 4 ઓક્ટોબરના રોજ ભારતીય સિનેમાને સમર્પિત જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા પોતાના 60 સંગીતકારો સાથે "એક શામ પોલીસ કે નામ" હેઠળ સંગીતની સુરાવલી રજૂ કરશે.
અત્યારથી જ તૈયારી કરાઈ
ગાયિકા કિંજલ દવેએ કહ્યું કે, નવરાત્રિ એ માં આધ્યશક્તિના આરાધનાનું પર્વ છે. સુરતીઓમાં અલગ જ એનર્જી રહેતી હોય છે. જેનો અમને ખૂબ સપોર્ટ મળે છે. અમે નવરાત્રિના ચાર મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોય છે. આ વખતની નવરાત્રિમાં ઘણા બધા નવા ગરબા જોવા મળશે. નવા ટ્રેક પર ખેલૈયાઓને ખૂબ આનંદ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

