Surat News: સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઉદ્ધત વર્તન, દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતનો હોબાળો

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં શનિવારે દર્દીને સારવાર આપવાના મુદ્દે દર્દીના પરિચીત વ્યક્તિએ ડૉક્ટર સાથે ઉદ્ધત વર્તન કરી હંગામો મચાવ્યો હતો.જેથી ફરીથી એકવાર તબીબોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.
પોલીસ ન દેખાઈ
નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર વિભાગમાં રોજના ૩૦૦થી વધુ દર્દી સારવાર માટે આવે છે. તેવા સમયે ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી વિભાગમાં શનિવારે સાંજે એક દર્દીને સારવાર માટે તેનો પરિચીત યુવાન લઈને આવ્યો અને ડૉક્ટરને જલ્દી સારવાર આપવા કહ્યું હતું. ત્યારે ડૉક્ટરે કેસ પેપર તો આપો એમ કહેતા જ દર્દીનો પરિચીત યુવાન ડૉક્ટર સાથે ગમે તેમ બોલવા લાગ્યો અને ઉદ્ધત વર્ત કરવા માંડયો હતો. જેથી ભારે હોબાળો થતા સિક્યુરિટી ગાર્ડ તથા સિક્યુરિટી સુપરવાઇઝર સહિતના લોકો એકત્ર થઈ ગયા હતા. પણ ટ્રોમા સેન્ટર ખાતે ફરજ બજાવતા હેડ ક્વાટર્સના પોલીસ કર્મચારી દેખાયા ન હતા. બાદમાં દર્દીના પરિચીત યુવાનને સિક્યુરિટી ગાર્ડ સિવિલની પોલીસ ચોકીમાં લઇ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નિયમિત રીતે જવાનો હાજર ન રહેતા હોવાની ચર્ચા
નવાઈની વાત તો એ છે કે, ટ્રોમા સેન્ટર ખાતે ફરજ બજાવતા ડૉક્ટર સહિતના સ્ટાફની સુરક્ષા અને સલામતી માટે પોલીસ હેડ કવાર્ટસ ખાતેથી બે જવાનોને ફરજ પર મુકવામાં આવે છે પણ જે વખતે ટ્રોમા સેન્ટર ખાતે હોબાળો થયો ત્યારે એક પણ જવાન ટ્રોમા સેન્ટર ખાતે હાજર નહી હોવાથી ત્યાં મામલો વધુ બગડયો હતો. ટ્રોમા સેન્ટરના ગેટ ઉપર મુકવામાં આવેલા જવાના નિયમિત ફરજ પર હાજર રહેતા નહી હોવાનું સિવિલના સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

