VIDEO: Surat સહિત ઉપરવાસમાં ભારે વરસાદ, તાપી નદીમાં નવા નીર સાથે કોઝવે ભયજનક સપાટીએ
સુરત સહિત ઉપરવાસના વિસ્તારોમાં ચાલુ મુશળધાર વરસાદને કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે. પાણીના વધારા સાથે નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તાપી નદીમાં આવેલા નવા નીરથી સુરત શહેરનો કોઝવે ભયજનક સપાટી પર પહોંચ્યો છે. હાલ કોઝવેની સપાટી 6.55 મીટરે નોંધાઈ છે, જેને કારણે તંત્ર સતર્ક બની ગયું છે.
ઉકાઈ ડેમની સપાટીમાં વધારો
તાપી નદીમાંથી હાલમાં અંદાજે 40,000 ક્યુસેક પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની પાણીની સપાટી પણ 327.25 ફૂટે પહોંચી છે, જેને કારણે વધુ પાણી છોડવાની શક્યતા સેવાઈ રહી છે.નદીમાં નવા નીરના પ્રવાહને લીધે તાપી હવે બન્ને કાંઠે વહેતી થઈ છે. તંત્રએ તટવર્તી વિસ્તારોમાં નગરજનોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને જરૂરી બચાવ ટીમો તૈનાત કરાઈ છે. હાલ તંત્ર દ્વારા કોઝવે પર ટ્રાફિક નિયંત્રણ સહિત તાપી કાંઠાના વિસ્તારોમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

