કામરેજમાં નકલી ખાદ્ય તેલ બનાવવાનું કારખાનું ઝડપાયું, બ્રાન્ડેડ કંપનીના નકલી સ્ટીકર લગાવી કરાતું વેચાણ

સુરત જિલ્લાના કામરેજમાં નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર CID ક્રાઈમ અને સુરત જિલ્લા ગ્રામ્ય અન્ન અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ) દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં કામરેજ સ્થિત નકલી ખાદ્ય તેલ બનાવવાના કારખાના પર દરોડા પાડીને આ કૌભાંડ ખુલ્લું પાડવામાં આવ્યું હતું.
ગાંધીનગર CID ક્રાઈમ અને આરોગ્ય મંત્રીની સૂચનાથી દરોડા
સુરત ફૂડ સેફ્ટી ઓફિસર ટી. કે. નાગરના જણાવ્યાનુસાર, ગાંધીનગર CID ક્રાઈમ અને આરોગ્ય મંત્રીની ખાસ સૂચનાના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. કામરેજના નવાગામ જીઆઈડીસીમાં આવેલી નવકાર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 'શિવ ટ્રેડિંગ કંપની'ના નામે આ ગેરકાયદે કારખાનું ચાલતું હતું. જ્યાં જયેશ હીરપરા નામનો શખસ સિંગતેલ સહિતના અન્ય ખાદ્ય તેલોનું ભેળસેળયુક્ત પેકિંગ અને વેચાણ કરતો હતો.
બ્રાન્ડેડ કંપનીઓના નકલી સ્ટીકર લગાવી વેચાણ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી દ્વારા 'સન પ્લસ', 'સૌરાષ્ટ્ર સિંગતેલ' અને 'પલ સિંગતેલ' જેવી નામાંકિત બ્રાન્ડના નકલી સ્ટીકરો ડબ્બા પર ચોંટાડીને નકલી તેલ બજારમાં વેચવામાં આવતું હતું. દરોડા દરમિયાન ટીમે સ્થળ પરથી 20,30,000 રૂપિયાની કિંમતનો તૈયાર નકલી માલ, સાધનસામગ્રી અને પેકિંગ મટીરિયલ સીઝ કર્યું છે.
ફૂડ વિભાગે જપ્ત કરાયેલા તેલના જથ્થાના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે અને જયેશ હીરપરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તહેવારો તેમજ સામાન્ય દિવસોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન તપાસ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.

