Surat News: પ્રેમલગ્ન કરનાર યુગલનું અપહરણ કરનારા 7 દબોચાયા, પતિ-પત્નીનું કરાયું રેસ્ક્યુ

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુગલના અપહરણની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. કાપોદ્રા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહરણ કરાયેલા પતિ-પત્નીનો બચાવ કરાવતા અને કુલ 7 આરોપીઓની ધરપકડ કરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
કારમાં પંચમહાલ લઈ જવાયા
પ્રાપ્ત માહિતી મુજબ, કાપોદ્રાની રવિ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાન અને યુવતીએ આશરે સાત મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પિતા આ લગ્નથી અસંતોષ અનુભવી રહ્યા હતા. એટલાં માટે યુવતીના પિતાએ અન્ય કેટલાક શખ્સો સાથે મળીને પોતાની દીકરી અને જમાઈનું અપહરણ કરી લીધું હતું.આરોપીઓએ બંનેને કારમાં બેસાડી ઝોરજબરીથી પંચમહાલ તરફ લઈ ગયા હતા અને અપહરણ કરતા પહેલાં તેમનો મારમાર કરવામાં આવ્યો હતો.
લોકેશનના આધારે રેસ્ક્યુ
ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે તરત જ ઘટનાસ્થળની આસપાસથી વિગતો મેળવી પંચમહાલ જિલ્લાની સરહદ સુધી તપાસ વિસ્તારી હતી. આખરે પ્રયાસો સફળ થયા અને પોલીસે પતિ-પત્નીનું સલામત રેસ્ક્યુ કર્યું હતું. સાથે જ મામલામાં સંડોવાયેલા સાતેય શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસે આરોપીઓની ધરપકડ બાદ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું છે. હાલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

