સુરતના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં જીત્યા 710 મેડલ, છતાં રમતગમતની સુવિધાઓનો અભાવ

સુરતના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં 710 મેડલ જીતી સતત ચોથી વખત પ્રથમ ક્રમ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે, પરંતુ આ જ સુરતમાં રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજવા માટે પણ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. ખેલાડીઓની આ સિદ્ધિ અને રમતગમતની સુવિધાઓ વચ્ચેનો વિરોધાભાસ સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે ઉજાગર કર્યો હતો. ઝીરો અવર્સ દરમિયાન ખેલાડીઓની સિદ્ધિને બિરદાવવાની સાથે આધુનિક સ્વિમિંગ પુલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું માંગ ઉઠી હતી. બીજી તરફ ભાજપના જ કોર્પોરેટરોએ પીળા પાણીથી લોકો પરેશાન હોવા, રસ્તા પરના દબાણો, ટ્રાફિકની સમસ્યા અને ડિજિટલ ફરિયાદોના નિકાલમાં વિલંબ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આમ, સામાન્ય સભામાં વિકાસની સિદ્ધિઓનાં વખાણની સાથે નાગરિકોને પડતી હાલાકી અને પાલિકાની સુવિધાઓમાં રહેલી ખામીઓ પણ ચર્ચાનો વિષય બની હતી. સુરત પાલિકાની સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ભાજપના કોર્પોરેટરોએ રમતગમતની સુવિધાઓથી માંડીને પીવાના પાણી, ટ્રાફિક, દબાણ અને ફરિયાદોના નિકાલમાં વિલંબ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. શહેરના વિકાસની સિદ્ધિઓની પ્રશંસા સાથે પાલિકાની કામગીરીમાં રહેલી ખામીઓ દૂર કરવા પણ રજૂઆતો કરવામાં આવી હતી.
ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, સુરત પાલિકાએ ખેલ મહાકુંભમાં સતત ચોથી વખત પ્રથમ ક્રમ મેળવ્યો છે. કુલ 36 રમતોમાં સુરતના ખેલાડીઓએ 252 ગોલ્ડ મેડલ સહિત 710 મેડલ જીતીને મોટી સિદ્ધિ મેળવી છે. આ માટે ખેલાડીઓ અને કોચ અભિનંદનને પાત્ર છે. ખાસ કરીને સ્વિમિંગમાં સુરતના ખેલાડીઓએ સૌથી વધુ મેડલ મેળવ્યા છે. જોકે, કમનસીબી એ છે કે આટલા મેડલ જીતનાર સુરતમાં રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજવા માટે પણ જરૂરી સુવિધાઓ નથી. શહેરના સ્વિમિંગ પુલ જૂની ડિઝાઇનના હોવાથી રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજી શકાતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલથાણ સ્વિમિંગ પુલમાં માત્ર 15થી 20 લાખ રૂપિયાના ખર્ચે જરૂરી સાધનો અને સુવિધાઓ ઊભી કરવામાં આવે તો સ્પર્ધાઓ યોજી શકાય તેમ છે. હાલમાં નવા બની રહેલા ત્રણ સ્વિમિંગ પુલમાં મુખ્ય પુલની સાથે વોર્મઅપ પુલની પણ વ્યવસ્થા કરવી જોઈએ. રાજ્યના રમતગમત મંત્રી સુરતના જ હોવાથી 'મોસાળે મા પીરસે' તેવી સ્થિતિ છે.
ગાંધીનગરમાં યોગ્ય રજૂઆત કરવામાં આવે તો જરૂરી સુવિધાઓ મળી શકે તેમ છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવાની પણ તેમણે માગ કરી હતી. આ ઉપરાંત ઉનડકટે પોતાના વિસ્તારમાં પીળું પાણી આવતું હોવાની ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. દિવાળી પહેલાં લોકોને હાલાકી ન પડે અને કોર્પોરેટરોને લોકોની નારાજગીનો સામનો ઓછો કરવો પડે તે રીતે કામગીરી કરવા તેમણે તંત્રને ટકોર કરી હતી.કોર્પોરેટર રમેશ બોરડે અમરોલીથી કતારગામને જોડતો બ્રિજ ખુલ્લો મુકાતાં ટ્રાફિકની સમસ્યામાં મહદઅંશે રાહત થઈ હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2017થી આ બ્રિજની માગ હતી અને વર્ષ 2019-20માં તેનું કામ હાથ ધરાયું હતું. બ્રિજથી આસપાસના વિસ્તારોની અંદાજે 15 લાખની વસ્તીને ફાયદો થશે.
જોકે, તાપી પરના કેટલાક બ્રિજ સાંકડા હોવાથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. તેથી આવા બ્રિજ પહોળા કરવાની કામગીરી હાથ ધરવા તેમણે રજૂઆત કરી હતી. કોર્પોરેટર પ્રતિભા દેસાઈએ નવરાત્રી દરમિયાન મહિલાઓને વિનામૂલ્યે 117 સ્ટોલ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સ્ટોલ દ્વારા મહિલાઓએ 32 લાખ રૂપિયાની આવક મેળવી હોવાની માહિતી આપી હતી.કોર્પોરેટર કાવ્યા કથિરિયાએ રસ્તા પરનાં દબાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, પાલિકા લાખો રૂપિયા ખર્ચીને રસ્તાનું રીકાર્પેટિંગ અને બ્યુટિફિકેશન કરે છે, પરંતુ તેના પર ફરી દબાણો થઈ જતાં લોકો આ સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. તેથી દબાણો માત્ર કામચલાઉ નહીં, પરંતુ કાયમી ધોરણે દૂર કરવાની જરૂર છે. કોર્પોરેટર સંદીપ ચલકવાલાએ ડિજિટલ ફરિયાદોના નિકાલમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નવી પેઢી પારદર્શક અને ઝડપી સેવા ઇચ્છે છે. પાલિકાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધા તો ઊભી કરી છે, પરંતુ ફરિયાદ નોંધાયા બાદ તેના નિકાલ માટે શું કાર્યવાહી થઈ તેની જાણકારી અને ફોલોઅપની અસરકારક વ્યવસ્થા નથી.
ફરિયાદ નોંધાવવાથી માંડીને તેના નિકાલ સુધીની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનાવવા તેમણે માગ કરી હતી. કોર્પોરેટર જગદીશ સુતરિયાએ પોતાના વિસ્તારમાં વિકાસનાં સારાં કામ થઈ રહ્યાં હોવાની પ્રશંસા કરી હતી. જોકે, હોટમિક્સના કચરાના નિકાલની કામગીરી વધુ ઝડપથી કરવા તેમણે તંત્રનું ધ્યાન દોર્યું હતું. આમ, સામાન્ય સભાના ઝીરો અવર્સમાં ભાજપના કોર્પોરેટરોએ વિકાસકાર્યોની પ્રશંસા કરવાની સાથે રમતગમતની અપૂરતી સુવિધાઓ અને નાગરિકોની રોજિંદી સમસ્યાઓના ઉકેલ માટે પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી.














