Video: સુરત PCB પોલીસને મોટી સફળતા: ૨૫ વર્ષ જુના હત્યા કેસનો નાસતો ફરાર આરોપી ઝડપાયો

સુરત પીસીબી પોલીસે ૨૫ વર્ષથી નાસતા ફરતા ખૂંખાર આરોપી ઉમેશ ગોપાલ માનકરને મહારાષ્ટ્રના નાસિકથી દબોચી લીધો છે. વર્ષ ૨૦૦૦માં પાંડેસરા વિસ્તારમાં હમાલી કામ કરતા આ શખ્સે માલજી પાટીલ સાથે થયેલી તકરારમાં લાકડાના ફટકા મારીને ક્રૂર હત્યા કરી હતી. આ હત્યા અંગે પાંડેસરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ, આરોપી પોલીસ પકડથી બચવા માટે છેલ્લા ૨૫ વર્ષથી મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યા વગર જ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છુપાઈને રહેતો હતો. લાંબી વોચ બાદ આખરે સુરત પોલીસને સફળતા મળી છે અને આરોપીનો કબજો આગળની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.







