સુરતમાં પોલીસે માનવતા મૂકી નેવે, પતિના મૃતદેહ માટે PM રૂમ બહાર પત્ની બાળક સાથે 22 કલાક ઝૂરતી રહી
સુરતમાં પોલીસની સારી કામગીરીની સાથે સાથે માનવતા નેવે મૂકતી કામગીરી પણ સતત સા

સુરતમાં પોલીસની સારી કામગીરીની સાથે સાથે માનવતા નેવે મૂકતી કામગીરી પણ સતત સામે આવતી રહે છે. જેમાં સરથાણા વિસ્તારમાં અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, 22 કલાકે પણ મૃતદેહ પોલીસ કાર્યવાહી ન થઈ હોવાથી મહિલાને મળ્યો નહોતો. જેથી મહિલાએ પોતાના 4 માસના બાળક સાથે પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઝૂરવું પડ્યું હતું.
પીએમ માટે મૃતદેહ ખસેડાયો
મૂળ આસામના વતની નઝરઅલી સુકરઅલી સાયણ રહેતો હતો. પરિવારમાં તેને પત્ની તેમજ 4 માસનું બાળક હતું. નઝરઅલી ઈદની ખરીદી માટે મંગળવારે મિત્ર સાથે જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાતા તેનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસ મથકની હદમાં થયેલા અકસ્માત બાદ નઝરઅલીના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આકરી ગરમીમાં મહિલા બેઠી રહી
અકસ્માત મોતના 22 કલાક સુધીનો સમય પસાર થઈ ગયો હતો. તેમ છતાં પોલીસ સ્ટેશનથી કોઈ પોલીસકર્મી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો નહોતો. અકસ્માતનો બનાવ હતો. જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવુ પણ જરૂરી હતું. જેથી પતિના મૃતદેહને જોવા માટે નઝરઅલીની પત્ની તેના 4 માસના બાળકને લઈને બપોરે આકરી ગરમીમાં પણ પોલીસની રાહ જોઇને બેઠી હતી.
ઉડાઉ જવાબ મળ્યો
મૃતકના પિતરાઈ મુઝાન હુસૈને કહ્યું કે, પોલીસની રાહ જોવામાં કલાકો વિતી ગયા હતા. સાંજે 5:30 વાગ્યે સરથાણા પોલીસ મથકમાં ફોન કર્યો હતો. ત્યારે સામેથી ઉડાઉ જવાબ આવ્યો હતો. સામેથી કહેવાયેલું કે, પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી. આવે ત્યારે મોકલી આપીશું, અમે શું કરીએ તેમ જવાબ મળતાં શોકગ્રસ્ત પરિવાર વિહવળ થઈ ગયું હતું.








