સુરત/ જ્વેલર્સને મહિલાએ ચકરાવે ચઢાવ્યો, દુકાન પર આવી ડે. કલેક્ટર હોવાની ઓળખ આપી ચોપડ્યો ચુનો
સુરતના માનદરવાજા ખાતેના ઝવેરીને ઠગ મહિલાએ રૂપિયા 12.38 લાખનો ચુનો ચોપડ્યો છે. પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી

સુરતના માનદરવાજા ખાતેના ઝવેરીને ઠગ મહિલાએ રૂપિયા 12.38 લાખનો ચુનો ચોપડ્યો છે. પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. સાથે મીઠી મીઠી વાતોમાં જ્વેલર્સને ચકરાવે ચડાવ્યો હતો. બાદમાં ઠગ મહિલાએ દાગીનાની ખરીદી કરી હતી. જો કે, પેમેન્ટ કર્યા વિના દાગીના લઈ છૂમંતર થઈ ગઈ હતી.
સોનું ખરીદવા આવી હતી
એલ.એચ. રોડના શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના રહેતા મૂળ બનાસકાંઠા ધાનેરાના લખાભાઈ મફાભાઈ રબારી માનદરવાજા ખાતે ચામુંડા જ્વેલર્સ નામની ઝવેરાતની દુકાન ધરાવે છે. ગઈ તા. 31 માર્ચના રોજ રવિવારે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં એક મહિલા દુકાન પર સોનું ખરીદવા આવી હતી.
મોબાઈલ ચોરાયો હોવાનું કહ્યું હતું
પોતાનું નામ હેતલકુમારી સંજયભાઈ પટેલ જણાવ્યું હતું. સાથે જ બનાસકાંઠા પાલનપુરમાં રહેતી હોવાની વિગત આપી હતી. સુરતમાં પોતે ફોર વ્હીલ ખરીદવા આવી છે. ગઈ તા. 29 માર્ચે સહારા દરવાજાથી બારડોલી જતી વખતે જલારામ મસાલા પાસે મોબાઈલ ચોરી થઈ ગયો છે. તેવી કેફિયત જણાવી હતી. હાલ તમારી દુકાને દાગીના ખરીદવા છે એવું કહ્યું હતું. હેતલકુમારીએ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ કરી હોવાનો કાગળ બતાવ્યો હતો. મહિલાએ પોતે નાયબ કલેક્ટર હોવાનું કહ્યું હતું. તેથી મહિલા પર વિશ્વાસ બેઠો હતો. મહિલાએ રૂપિયા 12,38,310ના દાગીના ખરીદયા હતા. પરંતુ પોતે રોકડ લાવ્યા નહીં હોવાનું કહ્યું હતું. સાથે જ મોબાઈલ ચોરી થયો હોવાથી બેન્કનો ચેક આપવા કહ્યું હતું. મારા પર વિશ્વાસ રાખો ચેક પાસ થઈ જશે એમ પણ તેણીએ કહ્યું હતું.
ડે. કલેક્ટરની વાત બોગસ નીકળી
મહિલા ખરેખર ડેપ્યુટી કલેક્ટર છે? તેણીનો મોબાઈલ ચોરાયો છે? કે કેમ તે તપાસ કરવા ઝવેરીએ સારોલી પોલીસ ચોકીમાં ફોન કરી તપાસ કરી હતી. પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ હેતલકુમારીએ કરી હોવાની વિગતો જાણવા મળી હતી. તેથી મહિલા પર વિશ્વાસ બેઠો હતો. ઝવેરીએ 12.38 લાખના દાગીના આપી દીધા હતા. જોકે, ઝવેરી જ્યારે તા. 3 એપ્રિલે બેન્કમાં ચેક જમા કરાવવા ગયો હતો. ત્યારે તે ચેક બાઉન્સ થયો હતો.આથી ઝવેરીએ મહિલાને ફોન કર્યો હતો. મહિલાએ કહ્યું, બેલેન્સ છે. તેથી ચેક બાઉન્સ નહીં થાય. ઝવેરીએ બાદમાં મહિલા ડેપ્યુટી કલેક્ટર છે કે નહીં તે અંગે તપાસ કરાવતા ગાંધીનગરમાં એવી કોઈ મહિલા ડેપ્યુટી કલેક્ટર ન હોવાની વિગતો બહાર આવી હતી. આથી પોતે છેતરાયા હોવાનો ખ્યાલ આવતા ઝવેરીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.








