સુરત/ ચાલુ મોપેડ પર મહિલાને ફોન પર વાત કરતાં અટકાવાતા હોબાળો, જાહેરમાં થયાં આવા હાલ..
સુરતના વરાછા વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા અટકાવવાના મુદ્દે થોડા સમય

સુરતના વરાછા વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા અટકાવવાના મુદ્દે થોડા સમય અગાઉ ભારે હોબાળો થયો હતો. ત્યારે આ વખતે ચાલુ મોપેડ પર જતી મહિલાને ફોન પર વાત કરતી અટકાવનારને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાંમાંથી ઘણા લોકોએ પણ પોતાના હાથ સાફ કરી લીધા હતાં. તો ઘણાએ માર મારનારને અટકાવ્યા પણ હતાં. જો કે, માર ખાનાર બીજો કોઈ નહીં પરંતુ તે હતો પિયુષ ધાનાણી. જેને અગાઉ પણ રોંગ સાઈડ જતાં લોકોને અટકાવાતા માર મરાયો હતો.
મહિલાને શીખામણ આપવી મોંઘી પડી
વરાછાના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધનુષ બ્રિજની નીચેથી પસાર થતી મહિલાને પિયુષ ધાનાણીએ ચાલુ મોપેડ પર ફોન પર વાત ન કરવા માટે અટકાવી હતી. જેથી મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં લોકોનું ટોળું એકઠું થઈ જતાં પિયુષ ધાનાણીના ગાલ પર સપાટા બોલાવી દીધા હતાં. મહિલાને માર મારતી જોઈને ઘણા લોકોએ પણ મારવાનું શરૂ કરી દીધું હતું. જો કે, એક વડીલે તમામને અટકાવવા પ્રયત્ન કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
લોકોએ માનસિક દિવ્યાંગ ગણાવ્યો
વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર મહિલાને અટકાવ્યા બાદ લોકો માર મારવાની સાથે સાથે એવું બોલતા પણ સાંભળવા મળ્યા કે, આ તો પેલો માનસિક દિવ્યાંગ છે. તેને બીજું કંઈ કામ નથી. ઘણા લોકોએ એવું પણ કહ્યું કે, બસ આ ફેમસ થવા માટે અગાઉ લોકોને હેરાન કરતો હવે મહિલાઓની પણ પાછળ પડી ગયો છે. ઘણાએ કહ્યું કે, ભાઈ સરકારે નિયમો બનાવ્યા છે. પાલન કરાવનાર તું કોણ તેવા પણ સવાલો કર્યા હતાં.
પિયુષ માર ખાવાની સાથે સાંભળતો રહ્યો
સોશિયલ મીડિયાથી ફેમસ થયેલો પિયુષ ધાનાણી આ વખતે માર ખાતા અને લોકોની કોમેન્ટ સાંભળતો રહ્યો હતો. કોઈ જ પ્રતિકાર કર્યા વગર શાંતિથી જાણે કોઈ જ ફરક ન પડતો હોય તે રીતે જોવા મળ્યો હતો. એક વડીલ તેના બચાવમાં આવ્યા તો તેને પણ પિયુષ શાંત કરતો જોવા મળ્યો હતો. જો કે આ વખતે પિયુષથી કાચું કપાઈ ગયું હોય તેમ બચાવની મુદ્રામાં જોવા મળ્યો હતો.
અગાઉ પણ પડ્યો હતો માર
થોડા સમય અગાઉ કાપોદ્રાના ધનુષ બ્રિજ નીચેથી રોંગ સાઈડમાં જતાં લોકોને અટકાવવા માટે પિયુષે અભિયાન હાથ ધર્યું હતું. જેમાં પિયુષ ધાનાણીને ભારે માર પડ્યો હતો. લોકોએ ઢસડવામાં પણ બાકી રાખ્યું નહોતું. ત્યારે પિયુષે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, જે તે વખતે પાટીદાર સમાજથી લઈને વરાછાવાસીઓ વિષે એલફેલ બોલનાર પિયુષ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.








