સુરતમાં નાગાબાવાના વેશમાં કારમાંથી ઉતરી એડ્રેસ પૂછવાના નામે ધૂતારાએ દાગીના ઉતરાવ્યા ને..
બાવા-સાધુના નામે લોકોને ડરાવી ધમકાવીને છેતરપિંડીના બનાવો સતત બનતા રહે છે. ત્યારે સવારના સમયે સુરતના જ્હાંગીરપ

બાવા-સાધુના નામે લોકોને ડરાવી ધમકાવીને છેતરપિંડીના બનાવો સતત બનતા રહે છે. ત્યારે સવારના સમયે સુરતના જ્હાંગીરપુરા વિસ્તારમાં મંદિરે દર્શન કરવા જતાં સિનિયર સિટીઝનને પ્રકોપનો ડર બતાવાયો હતો. બાદમાં તેમના શરીર પર રહેલા દાગીના ઉતરાવી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ નાસી જનારાને એક સીસીટીવીના આધારે ચોંકાવનારો ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
જહાંગીરપુરા વિસ્તારમાં ગત જાન્યુઆરી મહિનામાં એક વયોવૃદ્ધ મંદિરે દર્શને જઈ રહ્યાં હતાં. આ દરમિયાન નાગાબાવાના વેશમાં કારમાં ઉતરીને ધૂતારાએ વૃદ્ધ પાસેથી મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું. બાદમાં વાતો વાતોમાં હિપ્નોટાઈઝ કર્યા હતાં. સાથે જ પ્રકોપ દૂર કરવા માટે દાગીના ઉતારી આપવા કહ્યું હતું. જેથી વૃદ્ધે પ્રકોપ દૂર કરવા માટે પોતે પહેરેલા દાગીના ઉતારી આપ્યા હતાં. જેથી દાગીના લઈને ધૂતારો અને ડ્રાઈવર નાસી ગયા હતાં.
સમગ્ર બનાવ અંગે હોશમાં આવેલા વૃદ્ધે દાગીના શરીર પર ન હોવાથી ગુનો દાખલ કરાવ્યો હતો. જો કે, પ્રાથમિક તબક્કે આરોપીઓના કોઈ પૂરાવા નહોતા. પરંતુ દરેક ક્રાઈમની પાછળ આરોપી પોતાના સગડ મૂકતો જતો હોય તે રીતે કાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી આ સમગ્ર લૂંટ-છેતરપિંડીનો રેલો દહેગામ સુધી પહોંચ્યો હતો. જ્યાંથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. જો કે, મદારીએ પોતાની કારને કપડું ઢાંકી દીધું હતું. પરંતુ આ કપડું હટતાં જ આરોપીનો ચહેરો પણ સામે આવી ગયો હતો. આ મદારીએ અગાઉ પણ ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.






