સુરત લોકસભા સીટ બિનહરિફ, ભૂગર્ભમાં ઉતરેલા BSP નેતા પાછલા દરવાજેથી સેવાસદન જઈ ફોર્મ પરત ખેંચ્યું
સુરતમાં શનિવારથી શરૂ થયેલો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બંધ થવાનું નામ નથી લઈ ર

સુરતમાં શનિવારથી શરૂ થયેલો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રવિવારે રદ્દ થયું હતું. ત્યારથી ભાજપે આ બેઠકને બિનહરિફ કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ સહિતના આઠ ઉમેદવારોના ફોર્મ માન્ય થયાં હતાં. ત્યારે ભાજપ અપક્ષ સહિતની નાની પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવામાં સફળ રહ્યું હતું. પરંતુ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને હજુ સુધી મનાવી શકી નહોતી. ત્યારે બપોરે બે વાગ્યે પ્યારેલાલ ભૂગર્ભમાંથી બહાર આવ્યા હતાં. સેવા સદનના પાછલા દરવાજેથી અંદર ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
સંપર્ક વિહોણા બન્યા હતા પ્યારેલાલ
બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી અચાનક લાઈમલાઈટમાં આવી ગયા છે. અપક્ષ સહિતના ઉમેદવારો મેદાનમાંથી ખસી ગયા છે. ત્યારે પ્યારેલાલ પણ જો ફોર્મ પરત ખેંચી લે તે માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. પ્યારેલાલને મનાવવા માટે નેતાઓ પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ પ્યારેલાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે.સૂત્રો અનુસાર પ્યારેલાલે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો છે.
ટપોટપ ઉમેદવારી પરત ખેંચાઈ
સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા હતા. બાદમાં ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયા હતાં. હવે ચૂંટણી જંગમાં નવ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા આઠ ઉમેદવારો મેદાનમાં હતા. આ આઠમાંથી બાકીના 7 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. સુત્રોની વાત માનીએ તો સુરત બેઠક બિનહરીફ પણ થઈ જાય તો નવાઈ નહીં. જો એવું થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બનશે.
કોના દબાણમાં આવ્યા પ્યારેલાલ
પ્યારેલાલની બહુજન સમાજ પાર્ટીના પ્રવક્તા સવારથી કહી રહ્યા હતાં કે, અમે લોકશાહી બચાવવા માટે પાછી પાની કરીશું નહીં. પ્યારેલાલને સેફ હાઉસમાં રાખવામાં આવ્યાં છે. ગતરોજ જ કલેક્ટર કચેરીથી પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું. તેમ છતાં પ્યારેલાલ અચાનક એવું તો શું બન્યું કે ફોર્મ પરત ખેંચવા રાજી થઈ ગયાં..શું પ્યારેલાલ કોઈના દબાણમાં આવીને ફોર્મ પરત ખેંચ્યું કે શું. તેવા સવાલો થઈ રહ્યાં છે.








