બોટાદઃ સુખભાદર ડેમ 5 વર્ષે છલકાયો, 4 દરવાજા ખોલાતાં આ જિલ્લાઓના 20 ગામોને એલર્ટ કરાયા
બોટાદ જિલ્લાના રાણપુર અને અમદાવાદના ધંધુકા પંથક વચ્ચે જીવાદોરી સમાન સુખભાદર

બોટાદ જિલ્લાના રાણપુર અને અમદાવાદના ધંધુકા પંથક વચ્ચે જીવાદોરી સમાન સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમના ૪ દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ડેમ સંપૂર્ણ ભરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.સાવચેતીના ભાગરૂપે વહિવટી તંત્ર દ્વારા ૨૦ ગામોને સચેત કર્યા છે.
વર્ષ ૧૯૮૮માં સુખભાદર ડેમનું બાંધકામ પૂર્ણ કરાયું હતું. આ ડેમની ક્ષમતા ૧૪૫૮ એમ.સી.એફ.ટી. છે. આ ડેમ બોટાદ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના ગામોને સિંચાઈ પૂરી પાડી રહ્યો છે તેમજ ૭૦ કિલોમીટરનો વિસ્તાર આવરે છે. ડેમ ૨૦ દરવાજાથી ઓપરેટ કરવામાં આવે છે, જે પૈકી હાલ ૪ દરવાજા ખોલાયા છે. ૨૫૮૯ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પોલીસ જવાનો તેમજ કાર્યપાલક ઈજનેરની કચેરીના કર્મયોગીઓ રાઉન્ડ ધ ક્લોક અહીં તૈનાત કરવામાં આવ્યા છે.
આ ડેમ વર્ષ ૨૦૧૯માં પૂર્ણ સપાટીએ ભરાયો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૨૪માં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. તેમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. સુખભાદર ડેમ ઓવરફલો થવાના પગલે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ત્રણ જિલ્લાના નીચાણવાળા ૨૦ ગામોને સચેત કરાયા હતા. જે પૈકી બોટાદ જિલ્લાના નાના ભડલા, લિંબોડા, દેરડી, દેવળીયા, સાંગણપુર, ગધાળીયા, હાંસલપુર, કિનારા,પાટણા, રાણપુર સહિતના ગામોને, અમદાવાદના અડવાળ, ધંધુકા, ગલસાણા, ગુંજાર, જાળીયા, મોરશીયા, વાગડ,વાસણા વગેરે ગામોને તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભડલા, ચોરવીરા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમ બોટાદ જિલ્લાના કાર્યપાલક ઈજનેર જેશીંગભાઈ સુવરે અંતમાં જણાવ્યું હતુ.






