'સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં તિરાડ પડતા ગમે ત્યારે પડી શકે છે', નોંધાઇ પોલીસ ફરિયાદ; જાણો શું છે હકીકત
સ્ટેચ્યુ ઓફ યૂનિટીને લઇને સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ખોટી વિગતો સાથેની સોશિયલ મીડિયા X પોસ્ટ

સ્ટેચ્યુ ઓફ યૂનિટીને લઇને સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ખોટી વિગતો સાથેની સોશિયલ મીડિયા X પોસ્ટ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
શું છે ઘટના?
@RaGa4India નામના એકાઉન્ટ પરથી 8 સપ્ટેમ્બર 2024ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી.પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટીનો 2018ની તસવીર મુકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરૂં હો ગઇ હૈ"નો દાવો કરવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યૂનિટી સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. SoUના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ આ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો,સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 (1) (B) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ફેક્ટચેક
સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં તિરાડ પડવાનું શરૂ થઇ ગયું છે અને આ ગમે ત્યારે પડી શકે છે.
આ દાવો ખોટો છે. આ તસવીર વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યૂનિટીના નિર્માણ દરમિયાનની છે.








