Gandhinagar news: રાજ્યના મંત્રીઓને હકાલપટ્ટીનો ડર! મોડી રાત સુધી ઓફિસમાં ધમધમાટ
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હ

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું તેડું આવતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે. આ અચાનક દિલ્હી મુલાકાતને પગલે ફરી એકવાર રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારોની રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
મોદી-શાહ સાથે બેઠક, મોટા નિર્ણયોની શક્યતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્ત્વની મુલાકાત કરશે. મુખ્યમંત્રીની છેલ્લા દોઢ મહિનામાં આ બીજી દિલ્હી મુલાકાત છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂંક બાદ તેમની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે, જે ઘણી સૂચક માનવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો પર મહોર લાગી શકે છે, તેમજ પાલિકાની ચૂંટણીઓ નજીક આવતાં પ્રદેશ ભાજપના સંગઠનના માળખાને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા અંગે મહત્ત્વની ચર્ચા થશે.
સંગઠનમાં નવા ઓપની કવાયત
પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ જગદીશ પંચાલે નવી ટીમ બનાવવાની દિશામાં કવાયત આરંભી છે. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી રત્નાકરની હાજરી જોતાં સ્પષ્ટ થાય છે કે આ મુલાકાત વહીવટી મુદ્દાઓને લઈને નથી, પરંતુ સંગઠનાત્મક ફેરફારો પર કેન્દ્રિત છે. સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રદેશ માળખાને નવો ઓપ આપવામાં આવશે. જેમાં માત્ર યુવાઓને જ નહીં, પરંતુ અનુભવી જૂના જોગીઓને પણ સમાવી સંગઠનને મજબૂત અને વ્યૂહાત્મક બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.





