વલસાડ : દાતરડાના ઘા મારી પુત્રએ સાવકી માતાનું કાંસળ કાઢી નાખ્યું
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી પરિવારમાં પણ ઘરકંકાસે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી પરિવારમાં પણ ઘરકંકાસે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને પુત્ર જ સાવકી માતાનો હત્યારો બનતા પરિવાર વિખેરાયો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કપરાડા પોલીસે આ મામલે હત્યા કરીને ફરાર થયેલા હત્યારા પુત્રની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા છે.
સાવકી માતાની હત્યા કરીને પુત્ર ફરાર
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચાવશાળા ગામના માજી સરપંચ કાસુભાઈ પાલવા તેમના ત્રણ ગાળાના મકાનમાં તેમની બે પત્ની અને બંને પત્નીના સંતાનો સાથે રહે છે. કાસુભાઈ પાલવાની બીજી પત્ની સુકારીબેન પાલવાની તેમના જ સાવકા પુત્ર ભગુ પાલવાએ દાતરડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. સાવકી માતાની હત્યા કરી પુત્ર ફરાર થઈ ગયો છે. પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ અને પરિવારના સભ્યો અને ગામ લોકોની પૂછપરછ કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં બોપલ નજીક વધુ એક હત્યા, NRIનો મૃતદેહ મળ્યો
સાવકી માતાઓ અને પુત્રો વચ્ચે થતા હતા ઝઘડા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પરિવારમાં સાવકી માતાઓ અને તેમના સંતાનો સાથે જ રહેતા હતા. આથી પરિવારના સભ્યો વચ્ચે અનેક વખત ઉગ્ર બોલાચાલી થતી હતી. સાવકી માતાઓ અને તેમના સંતાનો વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી સાથે ઝઘડા થતા હતા.
દાતરડાના ઘા મારી સાવકી માતાની કરી હત્યા
આજે ઘટાનાના દિવસે પ્રથમ પત્નીના દીકરા ભગુ પાલવા અને તેની સાવકી માતા સુકારીબેન પાલવા વચ્ચે સામાન્ય વાતનેને લઈને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આવેશમાં આવી ભગુએ તેની સાવકી માતા સુકારીબેન પાલવા પર ઉપરા છાપરી દાતરડાના ઘા ઝીંક્યા હતા, જેના કારણે ઘટના સ્થળે જ સાવકી માતાનું મોત થયું હતું.








