જમાઈ બન્યો જમ : લગ્નજીવનમાં અડચણરૂપ લાગતા સાસુની જમાઈએ કરી ઘાતકી હત્યા
માવતરનું દીકરીના ઘરમાં અને ખાસ કરીને દીકરી અને જમાઈના લગ્નજીવનમાં વધુ પડતો રસ

માવતરનું દીકરીના ઘરમાં અને ખાસ કરીને દીકરી અને જમાઈના લગ્નજીવનમાં વધુ પડતો રસ લેવો, ચડવણી કરવી કે સુખી સંસારમાં ઝેર ઘોળવું એ દીકરીના માતા-પિતાને ભારે પડી શકે છે. ગુજરાતમાં એક આવી જ ઘટના બની છે, જેમાં જમાઈ સાસુ માટે જમ બન્યો છે. લગ્નજીવનમાં અડચણરૂપ લાગતા સાસુની જમાઈએ ઘાતકી હત્યા કરી નાખી છે.
પોલીસની 14 ટીમો અને 200 પોલીસકર્મીઓ જોડાયા હતા તપાસમાં
અમરેલી જિલ્લાના જશવંતગઢમાં ગત તારીખ 28 નવેમ્બરે પ્રભાબેન તેરૈયા નામના વૃદ્ધાની તેમના ઘરમાં ઘૂસીને કોઈએ અજાણ્યા શખ્સે ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી હતી. જશવંતગઢમાં વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા થયા બાદ સમગ્ર અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યાનો ભેદ ઉકેલવા અમરેલી પોલીસે 14 ટીમો બનાવી હતી, જેમાં 200 જેટલા પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા હતા. આખરે પોલીસે આ વૃદ્ધાની હત્યા કરનારા તેના જામાઈને ઝડપી પાડ્યો છે.
સાસુના કારણે લગ્નજીવન ડિસ્ટર્બ થતું હતું : પોલીસ સમક્ષ હત્યારા જમાઈની કબૂલાત
પોલીસે મૃતક પ્રભાબેન તેરૈયાના હત્યારા જમાઈ નયન તુલજાશંકર જોષીની ધરપકડ કરી છે. નયન જોષી જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો રહેવાસી છે. નયને સાસુની હત્યા શા માટે કરી એવું પૂછતાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે તેના 11 વર્ષના લગ્ન જીવન દરમિયાન તેની પત્ની અનેક વખત પીયર ચાલી જતી હતી અને તેનું લગ્નજીવન ડિસ્ટર્બ થતું હતું અને તેની પાછળ તેની સાસુ જવાબદાર હોવાનું તે માનતો હતો.
90 ટકા ગળું કાપ્યું, બાદમાં સાસુની અંતિમવિધિમાં પણ જોડાયો
હત્યારા નયન જોષી પર સાસુની હત્યા કરવાનું જુનું એટલી હદે સવાર હતુ કે તેણે તીક્ષ્ણ હથિયાર વડે સાસુ પ્રભાબેનનું ગળુ લગભગ 90% કાપી નાખ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યારા જમાઈ એ ઠંડા કલેજે સાસુની હત્યા કર્યા બાદ જાણે કે કાઈ બન્યુ જ ના હોય તેમ વર્તન કરવા લાગ્યો હતો અને સાસુની અંતિમવિધિમાં પણ જોડાયો હતો.
પોલીસે હત્યારા જમાઈ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં મૃતક પ્રભાબેન તેરૈયા નાયબ મામલદારના માતા હતા. મૃતક મહિલાના પતિ ભાનુભાઇ નિવૃત્ત શિક્ષક અને પુત્ર રાજુભાઈ તેરૈયા અમરેલીમાં નાયબ મામલતદાર છે.








