અમદાવાદ: SOGએ 6.47 લાખના MD ડ્રગ્સ સાથે બે લોકોની કરી ધરપકડ, આ કારણે મહિલાએ શરૂ કર્યો હતો નશાનો કારોબાર
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી SOGએ લાખો રૂપિયાની કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી SOGએ લાખો રૂપિયાની કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. આ મામલે એસઓજીએ NDPSનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એસઓજીની ટીમને મળેલી માહિતીના આધારે ઇસનપુરમાં આવેલા અમજા ફ્લેટમાંથી આ બંને આરોપીઓને ધરપકડ કરી છે. પોલીસે ઘરમાં તપાસ કરતા 6.47 લાખથી વધુની કિંમતનો 64 ગ્રામ 790 મીલી ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
આરોપી આમિર 200- 300 રૂપિયા લઈને ડ્રગ્સની ડીલીવરી કરતો
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, પકડાયેલી મહિલા શાહીનબાનુ સૈયદનો પતિ કોઈ કામ ધંધો કરતો ન હતો. ઘર ચલાવવા માટે પૈસાની જરૂર હોવાના કારણે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. એક વર્ષ પહેલા તેની મુલાકાત રામોલમાં રહેતી સિરીનબાનુ શેખ સાથે થઈ હતી. તેણે આ આરોપીને ટુકડે ટુકડે ડ્રગ્સ આપવાનું શરૂ કર્યું હતું. શાહીનબાનુ સૈયદ પોતાના ઘરમાંથી જ ડ્રગ્સનું વેચાણ કરતી હતી અને જે ગ્રાહકોને ડિલિવરી જોઈતી હોય તેઓને પકડાયેલા અન્ય આરોપી મારફતે ડ્રગ્સ પહોંચાડતી હતી. આમિર ખાન પઠાણ 200- 300 રૂપિયા લઈને ડ્રગ્સની ડીલીવરી કરતો હતો.
ગુનામાં ફરાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી
આ મામલે ઝડપાયેલી મહિલા છેલ્લા એક વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે. SOGએ વધુ તપાસ કરતા સામે આવ્યું કે ફરાર સિરીનબાનુ શેખનો પતિ અકબર અગાઉ SOGના હાથે જ ડ્રગ્સના કેસમાં ઝડપાયો હતો. અને તે છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં બંધ છે. તેવામાં આ ગુનામાં ફરાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.








