સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલી; મકરબમાં 1 હજાર ઘરોમાં પાણી ભરાયા, અસરગ્રસ્તો સરકારી શાળામાં આશરો લેવા મજબૂર, નેતાઓ ગાયબ
Ahmedabad Heavy Rain Effect: અમદાવાદમાં ભારે વરસાદે સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખોલી નાખી

Ahmedabad Heavy Rain Effect: અમદાવાદમાં ભારે વરસાદે સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખોલી નાખી છે. મકરબા પોલીસ હેડક્વાર્ટર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ રોકાયાના કલાકો બાદ પણ ગટરોના પાણી પાછા આવતા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયેલા છે.
મકરબામાં વરસાદના કારણે લોકો શાળામાં આશરો લેવા મજબૂર
વાહનો ડૂબી જવાના અને રસ્તાઓ બંધ થવાના કારણે સાણંદ, ચાંગોદર અને સરખેજથી આવતા નોકરિયાત વર્ગ અને રાહદારીઓ રસ્તામાં જ અટવાયા છે. એટલું જ નહીં, મકરબા ઈન્દિરાનગર જેવા વિસ્તારોમાં 1000થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને સરકારી શાળામાં આશરો લેવાની નોબત આવી છે. ચોમાસામાં જ ખોદી નંખાયેલા રસ્તાઓ અને નિષ્ફળ પ્રી-મોન્સૂન કામગીરીથી ત્રસ્ત પ્રજા હાલાકી ભોગવી રહી છે, ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક કોર્પોરેટરો કે ધારાસભ્યો ફરકતા પણ ન હોવાથી લોકોમાં સત્તાધીશો અને તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
સ્થાનિકોએ શું કહ્યું?
હરિભાઈ સોનારાએ કહ્યું કે, 'હું સાણંદ GIDCથી નોકરીથી આવ્યો છું અને ઘરે જાવ છું. ગઈકાલે વરસાદના કારણે નીકળી શકાય તેમ ન હોવાથી હું સાણંદ જ રોકાઈ ગયો હતો. મને હતું કે સવારે પાણી ઓછું થશે તો નીકળીશ, પણ અત્યારે ક્યાંય નીકળાય એવી પરિસ્થિતિ જ નથી. આ ભાજપ સરકાર જ્યારે વરસાદ પડે છે ત્યારે જ ખબર નહીં કયો ખજાનો દાટેલો છે તે શોધવા બધું ખોદવા લાગે છે, જેના કારણે રસ્તા જામ થઈ જાય છે અને રોડ પર પાણી ભરાય છે.'
દુકાને જતા એક મહિલાએ કહ્યું કે, 'મારે અત્યારે દુકાને જવાનું હતું પણ દુકાનની સામે બહુ પાણી ભરાયા છે. પાણીના કારણે રસ્તાઓ બંધ છે અને અમને કોઈ સુવિધા મળતી નથી, એટલે કેવી રીતે જવું એ વિચારીને અમે અટવાયા છીએ. અમારા વિસ્તારમાં આ સમસ્યા ઘણા વર્ષોથી છે.'
'દર વર્ષે પ્રી-મોન્સુનની કામગીરી છતાં ગટરની સમસ્યા યથાવત્'
ગણેશભાઈએ કહ્યું કે, 'હું ચાંગોદરથી આવું છું. મારે મારી ઓફિસે નવરંગપુરા જવાનું છે અને હું કમ સે કમ પાંચ વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી પસાર થઈને અહીં પહોંચ્યો છું. કોર્પોરેશન વાળા દર વર્ષે પ્રી-મોન્સુનની કામગીરી કરે છે છતાં ગટર લાઈનો બરાબર સાફ નથી કરાવતા, જેના કારણે બધે પાણી ભરાઈ જાય છે. જો આગળ હજુ વધારે પાણી હશે તો હું ઓફિસે નહીં જઉં.'
'વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા'
મકરબા ઇન્દિરાનગરના એક રહીશ જીગર ઠાકોરે જણાવ્યું કે, 'હું મકરબા ઇન્દિરાનગરમાં છેલ્લા આઠ વર્ષથી રહું છું અને વર્ષોથી આ સમસ્યા જોઉં છું. આ આખા પટ્ટામાં 1000થી 1200 જેટલા ઘર છે અને બધે ખૂબ પાણી ભરાયેલું છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેથી બધાને ખાવા-પીવાની બહુ જ તકલીફ પડી રહી છે.'
'નેતાઓ કે કોર્પોરેટરો બહાર નીકળતા નથી'
અહીં રહેતા મહેશભાઈ ભરવાડે જણાવ્યું કે, 'આ મકરબા પોલીસ હેડક્વાર્ટરની સામે આવેલા બળિયાદેવ મંદિર પાસેનો વિસ્તાર છે અને અહીં છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે. ગઈકાલ સાંજથી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને અમે હેરાન થતી પબ્લિકને રહેવા માટે સરકારી સ્કૂલમાં સગવડ કરી છે. કોઈપણ નેતાઓ કે કોર્પોરેટરો બહાર નીકળતા નથી કારણ કે તેમની પોતાની ઓફિસોમાં પણ અંદર જવા માટે રસ્તો નથી અને પાણી ભરાઈ ગયા છે. પબ્લિક બહાર જઈ શકે તેમ નથી અને સરકાર આનો કોઈ નિકાલ લાવતી નથી.'
સરખેજથી પ્રહલાદનગર જતા મકરબા રૂરલ પોલીસ હેડક્વાર્ટરે ફસાયેલા કૈલાશબહેને કહ્યું કે, 'હું સરખેજથી આવું છું અને મારે પ્રહલાદનગર જવું છે. રસ્તા બધા બ્લોક છે અને હું ફરી ફરીને અહીં આવી તો અહીં પણ પાણી ભરાયેલા છે અને ગટરો ઉભરાય છે. એક પણ રસ્તો સારો નથી, વરસાદ તો બધે હોય પણ રસ્તા તો હોવા જોઈએ ને! આ લોકોએ ચોમાસામાં જ બધી બાજુ રસ્તા ખોદી નાખ્યા છે, બાકી ચોમાસામાં આવું કામ કરવાનું ન હોય જેનાથી બધાયને હેરાનગતિ થાય છે.'
અન્ય એક સ્થાનિક નેચર માલવાણીયાએ જણાવ્યું કે, 'હું અહીં રહું છું. અહીં ઘણા સમયથી પાણી ભરાય છે અને મેં અગાઉ ઘણી બધી કમ્પ્લેન કરેલી છે, છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. અત્યારે ગટરો ઉભરાય છે અને પબ્લિકને બહુ તકલીફ પડે છે, મેં આ અંગે ધારાસભ્યને પણ રજૂઆત કરી છે પણ કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ કશું જ કરતા નથી. આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવો જરૂરી છે.'








