કેન્દ્ર સરકાર કાશ્મીરને હસ્તગત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે:શંકરાચાર્ય
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતની દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પહેલગામની ઘટનાને લઇને આક્રોશ સાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. સાથે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે કાશ્મીરને પોતાના હસ્તક લઇને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે.
ભારત જેવા દેશમાં ધર્મવિશેષ લોકોને મારવામાં આવે એ ચિંતાની વાત-શંકરાચાર્ય
પહેલગામ આતંકી હુમલાની ઘટનાને તેમણે સખત શબ્દોમાં વખોડતા કહ્યું કે, 'ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે ચિંતાની વાત છે કે ધર્મવિશેષ લોકોને પૂછી પૂછીને મારવામાં આવે. દેશના લોકોને એકતા બતાવી આતંકવાદને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. મુસ્લિમ ધર્મના લોકો પાસે અપેક્ષા છે કે તેમણે આતંકવાદ વિરૂદ્ધ બોલીને ભારતીયતા સિદ્ધ કરવી જોઇએ. પહેલગામની દુ:ખદ ઘટનાથી એ સમજમાં આવી ચૂક્યું છે કે જે લોકો કહે છે કે આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો, પણ હવે સિદ્ધ થઇ ગયું છે કે આતંકવાદમાં ચોક્કસ ધર્મના લોકો જ સંડોવાયેલા છે.
શંકરાચાર્યએ કહ્યુ કે, 'ધર્મ શબ્દનો અર્થ ન જાણવાના કારણે આતંકવાદને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે. આતંકવાદીઓનું તો એ જ કર્તવ્ય છે કે હત્યા કરો.ત્રેતાયુગમાં રાવણનું એ કર્તવ્ય હતું, દ્વાપરમાં કંસનો એ ધર્મ હતો. કળિયુગમાં આ આતંકીઓ રાવણ અને કંસના રૂપમાં ઉત્પન્ન થઇ આપણી રાષ્ટ્રીયતા પર હુમલો કરે છે. એકતાની આવશ્યકતા છે. આજે આપણા દેશની ત્રણેય સેના એટલી મજબૂત છે કે આમને-સામને યુદ્ધ કરવાની તેમનામાં હિંમત નથી. ભારતને નિર્બળ કરવા માટે આતંકવાદનો આશરો લઇને વિદેશી ષડયંત્રકારો આ પ્રકારના કૃત્ય કરે છે. સમજવું જરૂરી છે કે આપણી એકતા જ તેનો ઉત્તર છે. તમામ હિન્દુઓએ પક્ષાપક્ષીથી પર ઊઠવુ જોઇએ એ જ તેનો મુહતોડ જવાબ હશે.'






